રાજકોટ: આજે રાજકોટ શહેરમાં આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામા આવ્યું હતું. આ ચેકિંગમાં અનેક ચોંકાવનારી બાબતો સામે આવી છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા એકમો પર અધિકારીઓએ લાંલ આંખ કરી છે. કારણ કે, રાજકોટમાં પાઉભાજી ખાશો તો બીમાર પડવાનું નક્કી છે. અનહાઇજેનિક અને ગંદી જગ્યાએ પાઉભાજી બનતી હોવાની દ્રશ્યો સામે આવ્યા છે. રાજકોટના સોરઠીયાવાડી સર્કલમાં આવેલા રાજ પાઉભાજીમા સડેલા ટમેટા અને ડુંગળી મળી આવી છે.




સડેલા ટમેટાનો ઉપયોગ પાવભાજીમાં કરવામાં આવતો


આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા ફ્રીજનું ચેકિંગ કરતા વાસી ખોરાક મળી આવ્યો હતો. એક બાજુ ટમેટાના ભાવ આસમાને તો બીજી બાજુ સડેલા ટમેટાનો ઉપયોગ પાવભાજીમાં કરવામાં આવતો હતો. ખાદ્ય ચીજોમાં સડેલા ટમેટા નાખવામાં આવે છે. આ ઉપરાંત જ્યાં પાવભાજી બને છે તે જગ્યા પર પણ ખૂબ જ ગંદકીના ઢગ જોવા મળ્યા હતા.


 



બળેલું તેલ પણ મોટા પ્રમાણમાં મળી આવ્યું


તો બીજી તરફ રાજકોટમાં પાણીપુરી ખાવાના શોખીનો માટે પણ લાલબત્તિ સમાન દ્રશ્યો સામે આવ્યા છે. રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા આજે પાણીપુરી સ્ટોલ પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. રાજકોટના લલુડી વોકડીમાં પાણીપુરીના ધંધાર્થીઓને દરોડા પાડવામાં આવતા અનેક અનહેલ્દી વસ્તુઓ મળી આવી હતી. પાણીપુરી વાળાઓને ત્યાંથી મોટા પ્રમાણમાં સડેલા બટેટા અને સિન્થેટિક કલર મળી આવ્યા હતા. આરોગ્ય માટે હાનિકારક લીલો અને લાલ કલર મળી આવ્યો હતો. તો બળેલું તેલ પણ મોટા પ્રમાણમાં મળી આવ્યું હતું. દાઝ્યા તેલમાં પાણીપુરી તળવામાં આવી રહી હતી. 




લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા સામે કાર્યવાહી કરવામાં આવે


ચોંકાવનારી વાત એ છે કે, રાજકોટના તમામ હાઇ પ્રોફાઈલ વિસ્તારમાં આ પાણીપુરીવાળાઓ પાણીપુરી વેચે છે. સસ્તા અને બળેલા તેલમાં રાજકોટમાં પાણીપુરી તળવામાં આવે છે. આરોગ્ય વિભાગની તપાસમાં પાણીપુરી બનાવવાની તમામ વસ્તુઓ આરોગ્ય માટે હાનિકારક નીકળી હતી. નોંધનીય છે કે, રાજકોટના લલુડી બૂકડીમાં સો જેટલા નાના મોટા પાણીપુરીના લારીવાળાઓ આવેલા છે. આરોગ્ય વિભાગની કાર્યવાહીથી સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા સામે કાર્યવાહી કરવામાં આવે તેવી પણ લોકોએ માંગ કરી છે.


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial