રાજકોટ શહેરમાં પણ સાંજ પડતા જ મુશળધાર વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી. રાજકોટમાં ભારે વરસાદના પગલે યાજ્ઞિક રોડ, કોટેચા ચોક, કાલાવડ રોડ, કિસાનપરા ચોક, રેસકૉર્ષ સહિતના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતાં. રાજકોટમાં ચાલુ વર્ષે રેકર્ડ બ્રેક 57 ઈંચ વરસાદ પડ્યો છે. ચોમાસાની સિઝનમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ રાજકોટ અને જૂનાગઢના વિસાવદર પંથકમાં ખાબકયો છે.
હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે જ જૂનાગઢ જિલ્લામાં બપોર બાદ વરસાદ શરૂ થયો હતો. જૂનાગઢ શહેરમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. જિલ્લાના કેશોદ, માળિયા હાટિના, ગીરના જંગલ વિસ્તારમાં ભારે પવન અને વિજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. વરસાદથી ખેડૂતોને હવે પાકમાં નુકશાની થવાનો ભય છે.
અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરથી સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના વિસ્તારોમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. ગીર ગઢડામાં દોઢ ઈંચ અને ઉનાના ખાપટમાં બે ઈંચ વરસાદ વરસ્યો હતો. વાતાવરણમાં અચાનક પલટો આવતા ગીરસોમનાથના મોટાભાગના તાલુકાઓમાં ગાજવીજ સાથે મેઘરાજાએ એન્ટ્રી કરી હતી. સુત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા રસ્તાઓ પાણી પાણી થયા હતા.