Rain In Junagadh: જુનાગઢના માળીયા અને માંગરોળમાં બારેમેઘ ખાંગા થયા છે. માંગરોળ તાલુકામાં 4 થી 6 વાગ્યા સુધીમાં 138 મીલીમીટર વરસાદ નોંધાયો જ્યારે માળીયા હાટીના તાલુકામાં 104 મિલિમિટર નોંધાયો છે. ભારે વરસાદને પગલે ચારે તરફ જળબંબાકાર જેવી સ્થિતી જોવા મળી રહી છે. વરસાદને કારણે જનજીવન પર અસર થઈ છે.


ક્યાંક લોકોનાં ઘરોમાં પાણી ઘુસ્યા તો ગામડાઓમાં તમામ રસ્તાઓ બંધ જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. એટલું જ નહીં હજુપણ ધોધમાર વરસાદ યથાવત છે ત્યારે સ્થિતી વધારે ખરાબ થઈ શકે છે.


માંગરોળ તાલુકાના માંગરોળ કેશોદ હાઈવે તેમજ વેરાવળ હાઇવે અને પોરબંદર હાઇવે સહીતના રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા છે. બીજી તરફ માળીયા હાટીના તાલુકાની મેઘલ નદી ઉફાન પર છે. જ્યારે માળીયા તાલુકાના લાઠોદ્રા ગામે જોરદાર પુર ને કારણે પુલ તૂટ્યો છે.


પુલ તૂટતા ગાગેચા, રંગપુર, કારવાણી ગામ નો સંપર્ક માળીયા તાલુકા સાથે તૂટ્યો તેમજ નદી ની બીજી તરફ રહેતા ખેડૂતોની અવર જવર બંધ થઈ ગઈ છે.


માંગરોળ નજીક આવેલ નોળી નદિ તેમજ માળીયા હાટીના મેધલ નદિ અને વ્રજમી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. નદિના નીચાણવાણા ગામોને એલર્ટ કરાયા છે. નદિના પટાંગણમાં અવળજવર ના કરવા તંત્ર દ્વારા સુચના આપવામાં આવી છે.


રાજકોટ જિલ્લાના જામકંડોણામાં ગઈકાલે ધોધમાર વરસાદ પડ્યો હતો. પાંચથી સાત ઇંચ વરસાદ પડતા મોટા ભાગની નદીઓ બે કાંઠે ગઈ છે. જામકંડોણા પાસે આવેલી ફોફળ નદી બે કાંઠે જઈ રહી છે. ઉપરવાસના વિસ્તારોમાં ગઈકાલે ભારે વરસાદને લઈને નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. ફોફળ નદીના હેઠવાસના ગામડાઓને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. ફોફડ નદીનો દૂધીવદર ગામ પાસે આવેલો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. 


રાજકોટના ધોરાજીમાં અનરાધાર વરસાદ લઈને ખેડૂતના ખેતર પાણીમાં ગરક થઈ ગયા છે. ધોરાજી પંથક માં ખેડૂતોનો કપાસ અને સોયાબીનનો પાક પાણીમા ગરક થઈ ગયો છે. ખેડૂતોના ખેતર માં ગોઠણ ડૂબ પાણી ભરાતા કપાસ સોયાબીનનો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. આ મામલે સરકાર તાત્કાલિક સર્વ કરે તેવી માંગ ખેડૂતોમાં ઉઠી રહી છે. 


રાજકોટના ધોરાજી નજીક આવેલ ભાદર-2 ડેમ ફરી ઓવરફ્લો થયો છે. ડેમના 5 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા છે. 39645  ક્યુસેક પાણીની આવક સાથે તેટલી જ જાવક થઈ રહી છે. ધોરાજી, ઉપલેટા, માણાવદર, કુતિયાણા સહિતના 37 ગામોને સિંચાઈનું પાણી પૂરું પાડતો ડેમ ઓવરફ્લો થયો છે. નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યો છે.