ઉપરવાસ અને રાજકોટમાં સતત પડી રહેલા ભારે વરસાદને પગલે આજી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. નદીમાં પૂર આવતાં નીચાણવાળા વિસ્તારના ઘરોમાં પાણી ઘૂસ્યા છે. જેને કારણે અનેક લોકોને સલમાત સ્થળે ખસેડ્યા છે. આજી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં અધિકારીઓ સહિતનો કાફળો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને બચાવ કાર્યમાં લાગી ગયો હતો. ત્યારે આગામી બે દિવસ ગુજરાતમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે જેને પગલે પૂરની સ્થિતિનું નિર્માણ થાય તેમ નથી.


ઉપરવાસમાં ધોધમાર વરસાદને પગલે રાજકોટની આજી નદીમાં પાણીની ભારે આવક થઈ છે. આજી નદીની જળ સપાટી વધતા રામનાથ મંદિર પાસેથી પાણીનો ધસમસતો પ્રવાહ પસાર થઈ રહ્યો છે. ફાયર વિભાગની ટીમે આસપાસના લોકોને નદી કાંઠે ન જવા માટે સૂચના આપી છે. 6 જેટલી ટીમે ભગવતી પરા, રામનાથ પરા, થોરાળા વિસ્તારમાં જઈ લોકોને નદી કાંઠે ન જવા માટે સૂચના આપી છે.

નદીની આસપાસ રહેતા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે જ્યારે નદીના પાણી આસપાસની શેરીમાં ફરી વળ્યાં છે. નદી કાંઠે રહેતા અંદાજે 400 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

નદી કાંઠે કોઈ જાય નહીં તે માટે પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. પાણીના ધસમસતા પ્રવાહના કારણે રામનાથ મંદિર પાસે સોસાયટીમાં મોટો ખાડો પડ્યો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની સમાચાર નથી.