રાજકોટઃ સૌરાષ્ટ્રમાં આજે સવારથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. આજે સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે. તેમજ સૌરાષ્ટ્રની કેટલીક નદીઓમાં તો પૂર પણ આવ્યા છે. ત્યારે ભાવનગર શહેરમાં આજે 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. આ સિવાય વલ્લભીપુરમાં સવા બે ઇંચ, ઉમરાળામાં 2 ઇંચ, ઘોઘામાં એક ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો.


રાજકોટની વાત કરીએ તો ગોંડલમાં એક કલાકમાં 2.5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ધોધમાર વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. બસ સ્ટેન્ડ રોડ તથા અન્ય જગ્યાએ વૃક્ષો ઘારાશાહી થયા છે. હજુ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે.

તાલાલાના ગ્રામ્ય વિસ્તારોમાં અનરાધાર વરસાદ ખાબક્યો હતો. ધાવા સુરવા સહિતના ગામોમાં ભારે વરસાદ પડ્યો હતો. કડાકા ભડાકા સાથે અઢી ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો.અમરેલી જિલ્લામાં સવારે 7 વાગ્યાથી લઈ બપોરના 2 વાગ્યા સુધીમાં અમરેલી શહેરમાં 08 મિમી, ધારી - 01 મિમી, બગસરામાં 23 મિમી, સાવરકુંડલામાં 48 મિમી, લીલીયામાં 18 મિમી અને વડીયામાં 20 મિમી વરસાદ ખાબક્યો હતો.