આગામી 3 કલાકમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 07 Jul 2020 06:36 PM (IST)
આગામી 3 કલાકમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
અમદાવાદ : આગામી 3 કલાકમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. કચ્છ, દ્વારકા, સાબરકાંઠા, મહિસાગર, અરવલ્લી, છોટા ઉદેપુરમાં ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગ યથાવત છે. હવામાન વિભાગના મતે દેવભૂમિદ્વારકા, રાજકોટ, જામનગર અને કચ્છમાં અતિથી અતિભારે વરસાદની આગાહી છે. અમરેલી, બોટાદ અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, મોરબી અને દીવમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. રાજ્યમાં લૉ પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 27 ટકા વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગના મતે 9મી જુલાઈથી સૌરાષ્ટ્રમાં વરસાદની ગતિ ધીમી પડશે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં માછીમારોને આગામી ત્રણ દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. રાજ્યમાં સવારના છ વાગ્યાથી લઈને સાંજના 4 વાગ્યા સુધીમાં 114 તાલુકામાં વરસાદ નોંધાયો છે. દેવભુમિ દ્વારકાના ખંભાળિયામાં સૌથી વધુ 11.4 ઇંચ વરસાદ નોંધાયો છે. જામનગરના જામજોધપુરમાં 6.7 ઇંચ વરસાદ વરસ્યો છે.