રાજકોટ: રાજકોટ શહેરમાં પડેલા ધોધમાર વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયા છે. શહેરના બસ સ્ટેન્ડ, કાલાવડ રોડ, લિમડા ચોક, ઢેબર રોડ, યુનિવર્સિટી રોડ, એયરપોર્ટ, યાજ્ઞિક રોડ, માલવિયા રોડ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે.


રાજકોટમાં પડેલા સાર્વત્રિક વરસાદથી રાજકોટ જિલ્લો હાઈએલર્ટ પર છે. રાજકોટ જિલ્લાના નવ ડેમ છલોછલ થયા છે જ્યારે 15 ડેમ ઓવરફ્લો થયા છે. ભારે વરસાદની આગાહીને પગલે રાજકોટમાં SDRFને તૈનાત કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટો ગણાતા ભાદર ડેમમાં પાણીની આવક થઈ છે. ગોંડલના લીલાખા પાસે આવેલા ભાદર ડેમમાં જળસપાટી 31.50 ફૂટ પર પહોંચી છે. રાજકોટ જિલ્લાને ભાદર ડેમ પીવાનું પાણી પૂરું પાડે છે.

રાજ્યમાં હજુ પણ વરસાદી માહોલ યથાવત રહેશે. આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.