પોરબંદર વનવિભાગના મહિલા બીટ ગાર્ડ અને તેમના શિક્ષક પતિ તેમજ વન વિભાગના રોજમદાર સહિત ૩ વ્યકિત શનિવારે લાપતા બન્યા બાદ સોમવારે ત્રણેયની લાશ કાટવાણા નજીકના બરડા ડુંગરમાંથી મળી હતી અને તેમની બેરહેમી પૂર્વક હત્યા કરવામા આવી છે. બીટ ગાર્ડ હેતલબેન રાઠોડ અને તેમના શિક્ષક પતિ કિર્તિભાઈ સોલંકી તેમજ વન વિભાગમાં રોજમદાર તરીકે કામ કરતા નગાભાઈ આગઠ સહીતના ત્રણ લોકો શનિવારથી લાપતા બન્યા હતા અને કાટવાણા નજીકના જંગલમાંથી તેમની કાર રેઢી મળી હતી.
લાપતા બન્યાની આશંકાને લઈ પોલીસ અને વન વિભાગ દ્વારા સતત બે દિવસથી તેમની શોધખોળ કરવામા આવી રહી હતી. દરમ્યાન સોમવારે કાટવાણા નજીકના બરડા ડુંગરમાંથી ત્રણેયના મૃતદેહ મળી આવ્યા હતા. તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામા આવી હોવાનું બહાર આવ્યુ છે.
મહિલા બીટ ગાર્ડ હેતલ રાઠોડની લાશ પાણીના ઝરણા નજીકથી મળી આવી હતી. જ્યારે તેમના પતિ અને રોજમદાર યુવાનની હત્યા ત્યાંથી થોડે દુર બાવળની કાટમાંથી મળી આવી હતી. આ ઘટનાની જાણ થતા જીલ્લા પોલીસ વડા રવિ સૈની અને વન વિભાગના ઉચ્ચ અધિકારી ઘટના સ્થળે દોડી ગયા હતા અને ત્રણેયના મૃતદેહ ને પીએમ માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામા આવ્યા હતા. મહિલા બીટ ગાર્ડ સર્ગભા હોવાનુ જાણવા મળી રહ્યુ છે અને ત્રણેય લોકોની હત્યા કયા કરણોસર કરવામા આવી તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.