રાજકોટ: આજે વહેલી સવારથી જ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજકોટ શહેર અને જિલ્લામાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરુ થયો છે. રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. રાજકોટના ગોંડલ રોડ, ઢેબર રોડ, કાલાવડ રોડ, રેસકોર્ષ રીંગરોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજકોટના ઉપલા કાંઠા સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ શરૂ થયો છે. હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે રાજકોટ જિલ્લામાં રેડ એલર્ટ આપ્યું છે.
રાજકોટ શહેરના શાપર વેરાવળ, લોધીકા, કોટડા સાંગાણી સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ સારો વરસાદ વરસી રહ્યો છે. સારા વરસાદના પગલે ખેડૂતોને ફાયદો થશે. કપાસ, મગફળી સહિતના પાકને ફાયદો થશે. કઠોળ સહિતના પાકને પણ સારા વરસાદના પગલે ફાયદો થશે.
લોધીકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ
રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ વરસી રહ્યો છે. લોધીકા ધુળીયા દોમડા, નગરપીપળીયા, પાભર ઇટાળા, મોટાવડા સહિતના ગામોમાં સારો વરસાદ વરસ્યો છે. ખેડૂતો લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા.
ધોરાજી પંથકમાં સારો વરસાદ
ધોરાજી ગ્રામ્ય પંથકમા વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધોરાજી છત્રાસાથી માણાવદર બાંટવા તરફ જવાનાં કોઝવે ઉપર પાણી ફરી વરતા રસ્તો બંધ કરવામાં આવ્યો છે. ધોરાજી ગ્રામ્ય પંથક છત્રાસા, બંટિયા, ખડીયા, ઝાપોદર, કલાણા સહિત ગામમા ધોધમાર વરસાદ વરસ્યો છે. ગ્રામ્ય વિસ્તારના ખેતરો પાણી પાણી થયા છે.
10 વાગ્યા સુધી રાજ્યના કુલ 67 તાલુકાઓમાં ભારે વરસાદ
રાજ્યમાં સવારમાં 10 વાગ્યા સુધી રાજ્યના કુલ 67 તાલુકાઓમાં ભારે વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ તલાલાથી લઇને ભાવનગર સુધીના વિસ્તારોમાં ત્રણ ઇંચથી વધુ ખાબક્યો છે. રાજ્યમાં જો છેલ્લા 24 કલાકના આંકડા પર નજર કરીએ તો, ગુજરાતના 168 તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી છે. દેવભૂમિ દ્વારકામાં સતત ચોથા દિવસે પણ ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 68.91 ટકા વરસાદ
રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 68.91 ટકા વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ 72 ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં જ્યારે ઉત્તર ગુજરાતમાં 71 ટકા, કચ્છમાં 70 ટકા, પૂર્વ મધ્યમાં 69 ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં 63 ટકાથી વધુ સરેરાશ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. સરદાર સરોવર સહિત રાજ્યના કુલ 207 ડેમમાંથી 76 ડેમ હાઈએલર્ટ એટલે કે 70 થી 100 ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે 26 ડેમ એલર્ટ પર તેમજ 22 ડેમ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 76 ટકાથી વધુ જળસંગ્રહ છે.