Rajkot Lok Melo: રાજકોટમાં યોજાનારા વાર્ષિક લોકમેળા સંદર્ભે ગુજરાત હાઇકોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણીઓ કરી છે. કોર્ટે જણાવ્યું કે લોકમેળામાં જાહેર સુરક્ષાનું પૂરતું ધ્યાન રાખવું અત્યંત આવશ્યક છે. હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું કે મેળાના આયોજન માટે નિયમ પ્રમાણે અરજી કરવી જરૂરી છે. અરજદારે તમામ આવશ્યક ઔપચારિકતાઓ પૂર્ણ કરીને સંબંધિત પોલીસ કમિશનર સમક્ષ અરજી રજૂ કરવી જોઈએ.


કોર્ટે સરકારી વકીલને પણ સૂચના આપી કે, "જો તમામ પ્રક્રિયા પૂર્ણ કરીને અરજી કરવામાં આવે, તો તેને નકારવાની જરૂર નથી." આ ટિપ્પણી દર્શાવે છે કે યોગ્ય પ્રક્રિયા અનુસરવામાં આવે તો મેળાની મંજૂરી મળવી જોઈએ. હાલમાં, કોર્ટે આ મામલે રજૂ થયેલી અરજી પડતર રાખી છે અને આગામી સુનાવણી 27 ઓગસ્ટના રોજ નિયત કરી છે. આ કારણે 24થી 28 ઓગસ્ટ દરમિયાન યોજાનારા લોકમેળામાં વિલંબ થવાની શક્યતા છે. આ કાયદાકીય પ્રક્રિયાના કારણે મેળો નિર્ધારિત તારીખ કરતાં મોડો શરૂ થાય તેવા સંકેત છે.


નોંધનીય છે કે, વર્ષોથી રાજકોટ રેસકોર્ષ ગ્રાઉન્ડમાં શ્રાવણ મહિનામાં જન્માષ્ટમીના અવસરે લોકમેળો યોજાય છે. રાજકોટના લોકમેળાનું ચાલુ વર્ષે ધરોહર નામ અપાયું છે. વર્ષોથી રાઈડ્સ રાખનારાઓએ હરાજીમાં ભાગ ન લીધો. જોકે ખાનગી મેળા ધારકે 1 કરોડ 27 લાખમાં 31 પ્લોટ ખરીદ્યા હતાં. ચાલુ વર્ષે અગાઉના વર્ષો કરતા ઓછી રાઈડ્સ અને સ્ટોલ સાથે મેળો યોજાશે.  24થી 28 ઓગસ્ટ 2024 સુધી યોજાનારા લોકમેળામાં દર વર્ષે પાંચ દિવસમાં 15 લાખથી વધુ લોકો સૌરાષ્ટ્રભરમાંથી ઉમટી પડતા હોય છે.


આ વખતે પ્રથમ વખત લોકમેળામાં રાઈડોનો NDT રિપોર્ટ, ફાઉન્ડેશન અને ફિટનેસ સર્ટિફિકેટ સહિતના નિયમોનું પાલન કરાવાશે. બીજી તરફ લોકમેળામાં પીજીવીસીએલ તરફથી અંડર ગ્રાઉન્ડ કેબલિંગ કરવામાં આવશે. આ સાથે જ દરેક સ્ટોલ ઉપર સીસીટીવી અને અગ્નિશામક યંત્રો ફરજિયાત બનાવવામાં આવ્યા છે. ભીડને કંટ્રોલ કરવા માટે ડ્રોનથી મોનિટરિંગ કરવામાં આવશે. તેમજ એન્ટ્રી અને એક્ઝિટ ગેટ વધારવામાં આવ્યા છે.


આ પહેલા રાજકોટના રેસકોર્સ મેદાનમાં આગામી તારીખ 24 થી 28મી ઓગસ્ટ દરમિયાન જન્માષ્ટમીમાં યોજાનારા લોકમેળામાં એક સાથે તમામ મોટી રાઇડસની ખરીદી કરતા વિરેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, અમે લોકો ગ્રીનલેન્ડ ચોકડી અને નાનામવા સર્કલ પાસે ખાનગી મેળાનું આયોજન કરીએ છીએ. જોકે આ વખતે રાજ્ય સરકારની કડક ગાઈડ લાઈનના કારણે કોઈએ હરાજીમાં ભાગ ન લેતા ખાનગી મેળા સંચાલકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેથી  અમે યાંત્રિક રાઈડસની હરાજીમાં ભાગ લીધો હતો.જેમાં 31 મોટી રાઇડસની  પ્રાઈઝ રૂ. 1.18 કરોડ હતી. જોકે બોલી લગાવતા 1.27 કરોડમાં 31 પ્લોટ મળ્યા છે. આ વખતે પ્રથમ વખત રેસકોર્સ મેદાનમા લોકમેળામાં રાઇડસ રાખશું અને NDT રિપોર્ટ, ફાઉન્ડેશન અને ફિટનેસ સર્ટિફિકેટ સહિતના નિયમોનું પાલન કરશું.


આ પણ વાંચોઃ 


અમદાવાદની ૧૫ સરકાર માન્ય વાજબી ભાવની દુકાનોને 'જન પોષણ કેન્દ્ર'માં પરિવર્તિત કરવામાં આવી, જાણો શું લાભ થશે