રાજકોટ: અનિરુદ્ધસિંહ જાડેજાની મોટો ઝટકો લાગ્યો છે. સરકારે સજા માફ કર્યા બાદ સરકારના નિર્ણયને પોપટભાઇના પૌત્રએ હાઇકોર્ટમાં પડકારતા હાઇકોર્ટ દ્વારા એક મહિનામાં હાજર થવા આદેશ કરવામાં આવ્યો છે. 15 ઓગષ્ટ 1988માં ગોંડલમાં હત્યાનો બનાવ બન્યો હતો. સરકારે કાયદાની પ્રક્રિયાને અનુસર્યા વગર સજા માફીનો નિર્ણય કર્યો તેવી હરેશ સોરઠીયાના વકીલે કરેલ દલીલને હાઇકોર્ટે સ્વીકારી હુકમ કરતા ખળભળાટ મચી ગયો છે.
ગોંડલમાં યોજાઈ રહેલા ધ્વજવંદન કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય પોપટભાઈ સોરઠીયા ઉપર ગોળીબાર કરી હત્યા કરવાના 37 વર્ષ પહેલાના કેસમાં રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટે ફટકારેલી આજીવન કેદની સજા સરકાર દ્વારા માફ કરવાનો હુકમ હાઇકોર્ટે અયોગ્ય ઠેરવી અનિરુદ્ધસિંહ જાડેજાને એક મહિનામાં સરન્ડર થવાનો હુકમ કરવામાં આવ્યો છે.
શું હતી સમગ્ર ઘટના
આ કેસની વિગત મુજબ ગોંડલની સંગ્રામસિંહજી હાઇસ્કૂલમાં 15 ઓગસ્ટ 1988 ના સ્વતંત્રતા દિવસે ધ્વજ વંદન કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ સોરઠીયાને અનિરૂદ્ધસિંહ જાડેજા દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના પછી પોલીસે અનિરૂદ્ધસિંહ જાડેજા અને નિલેશ કુમારની ધરપકડ કરી હતી. તેઓને સાક્ષીઓ પ્રતિકૂળ હોવાથી કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યાર પછી જેની સામે સરકાર દ્વારા અપીલ કરવામાં આવતાં તા.10-7-1997ના રોજ સુપ્રીમકોર્ટે જન્મટીપની સજા ફટકારી હતી.
બાદમાં અનિરુદ્ધસિંહ જાડેજા ત્રણ વર્ષ સુધી ફરાર રહ્યા હતા. અનિરૂદ્ધસિંહ જાડેજાએ 18 વર્ષની સજા ભોગવી હતી. ત્યારબાદ અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર એ 29 જાન્યુઆરી 2018 ના રોજ જેલના એડીજીપી ટી.એસ બીષ્ટને પત્ર લખીને માફી પર મુક્ત કરવાની વિનંતી કરી હતી. આ પત્રને ધ્યાનમાં લઈને તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.
સ્વ.ધારાસભ્યના પૌત્ર હરેશ સોરઠીયાએ એડવોકેટ સુમિત સિકરવાર મારફતે અરજી દાખલ કરીને અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફીને પડકારી છે. આ અરજીના આધારે હાઇકોર્ટ રાજ્ય સરકાર, પૂર્વે એડીજીપી ટી.એસ બિષ્ટ અને અનિરૂદ્ધસિંહ જાડેજાને નોટિસ ફટકારીને જવાબ માંગ્યા છે. સજા માફીની પડકારતી અરજીની સુનાવાણીમાં સજા માફીનો લાભ આપવા મુદ્દે વહેલા જેલમાંથી મુક્ત કરવા મામલે સરકાર અને જેલ સત્તાવાળાઓના નિર્ણયની આલોચના કરી હતી. દલીલ કરી હતી કે, 2017માં ઘડવામાં આવેલી માફીની નીતિનું પાલન કરવામાં આવ્યું નથી. હાઇકોર્ટના ન્યાયધીશ એચ ડી સુથારે સરકારે કઈ જોગવાઈના આધારે સજા માફીનો લાભ અપાયો તેનો ખુલાસો માંગ્યો છે. જેલ વિભાગ અધિકારીને અને સરકાર પક્ષ તરફથી સજા માફીના લાભની નીતિ અંગે સવાલો કરતા તેઓ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. સુપ્રીમકોર્ટના ચુકાદા મુજબ, આજીવન કેદ એટલે જીવે ત્યાં સુધી સજા ભોગવવાની હોય છે. રાજ્ય સરકાર દ્વારા કાયદાકીય પ્રક્રિયા અનુસર્યા વિના ખોટી રીતે નિર્ણય લેવાયો છે.