રાજકોટમાં લેઉવા પટેલ બોર્ડિંગમાં ધોરણ ૮ના વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યના કેસમાં પોલીસે કાર્યવાહી કરી હતી. પોલીસે આ મામલે ગૃહપતિ હસમુખ વસોયાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી. મળતી જાણકારી અનુસાર, શહેરમાં 150 ફૂટ રિંગ રોડ નજીક આવેલી લેઉવા પટેલ બોર્ડિંગમાં ધોરણ-8માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને ઢોર માર મરાયો અને તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યાનો હસમુખ વસોયા પર આરોપ લાગ્યો છે. આ મામલે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.
ભોગ બનનાર વિદ્યાર્થીએ ગૃહપતિ હસમુખ વસોયા તેમજ અન્ય એક સાથી વિદ્યાર્થી પરેશાન કરતા હોવાનો આરોપ લગાવ્યો હતો. એટલું જ નહીં હસમુખ વસોયા અનેકવાર બિભત્સ વીડિયો બતાવતા હતા. ગૃહપતિએ અવારનવાર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોવાનો પણ વિદ્યાર્થીએ આરોપ લગાવ્યો હતો. ભોગ બનનાર વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, હોસ્ટેલનાં ગૃહપતિ હસમુખ વસોયા હેરાન કરતા હતા. બધા રૂમમાં જતા રહે પછી મને તેમની રૂમમાં લઇ જતા હતા. જ્યાં ગંદા વીડિયો બતાવીને અડપલાં કરતા હતા.
નોંધનીય છે કે ગઈકાલે વિદ્યાર્થીને ઢોર માર મરાયો હતો. જેથી વિદ્યાર્થીને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ભોગ બનનાર વિદ્યાર્થીનો આરોપ છે કે, તેને પટ્ટા અને ફૂટપટ્ટીથી માર મારવામાં આવ્યો હતો. ભોગ બનનાર વિદ્યાર્થીના પિતા હીરા ઘસવાનું કામ કરે છે.
વિદ્યાર્થીની પિતાએ માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ગૃહપતિ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગૃહપતિ હસમુખ વસોયા સામે પોક્સો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપી વિદ્યાર્થીને મોબાઇલમાં અશ્લિલ વીડિયો બતાવતો હતો. બાળકને ડરાવીને અન્ય વિદ્યાર્થીએ માર માર્યો છે તેવું કહેવાનું કહ્યું હતું. માલવિયાનગર પોલીસે ગૃહપતિની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.