રાજકોટ: શહેરના આનંદ બંગલા ચોકમાં આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલ અગ્નિકાંડ મામલે આજ રોજ 304(અ) અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે SIT અધ્યક્ષ મનોહર સિંહ જાડેજાએ પત્રકાર પરિષદ કરી અગ્નિકાંડ મામલે અનેક ખુલાસા કર્યા હતા. તેમણે જવાબદારો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હોવાની માહિતી આપી હતી. SIT અધ્યક્ષ મનોહર સિંહ જાડેજાએ જણાવ્યું કે, તમામ જવાબદાર વિરુદ્ધ 304(અ) અંતર્ગત આજરોજ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બપોરે 12:22 આગનો બનાવ બન્યો હતો. જવાબદારો વિરુદ્ધ કલમ 114 પણ ઉમેરવામાં આવી છે.


મનોહર સિંહ જાડેજાએ જણાવ્યું કે, તપાસમાં સામે આવ્યું છે કે, આઇસીયુ વોર્ડનું ઇમરજન્સી એક્ઝિટ બંધ હાલતમાં હતું. દરવાજા પાસે મશીનરીની આડશથી અવરોધ ઊભો કરવામાં આવ્યો હતો.

બે દિવસની તપાસ બાદ રવિવારે માલવિયાનગર પોલીસ સ્ટેશનના પીઆઇ ભૂકણે ફરિયાદી બની ગોકુલ લાઇફ કેર પ્રા.લિ.ના ચેરમેન ડો.પ્રકાશ મોઢા, વિશાલ મોઢા, ડો.તેજસ કરમટા, ડો.તેજસ મોતીવરસ અને ડો.દિગ્વિજયસિંહ જાડેજા સામે આઇપીસી 304-અ તેમજ 114 હેઠળ ગુનો નોંધ્યો હતો.



લાપરવાહી દાખવનાર ડોક્ટર પ્રકાશ મોઢા સહિત પાંચ તબીબ સામે પોલીસે ગુનો નોંધી પાંચેયની પૂછપરછ શરૂ કરી હતી. તેમાંથી 3ની અટકાયત કરવામાં આવી છે.

મનોહર સિંહ જાડેજાએ ખુલાસો કરતા કહ્યું કે, આઇસીયુ વોર્ડમાં વેન્ટીલેશન ન હોવાના કારણે ધુમાડાના ગોટા થયેલા હતા. વોર્ડમાં સેનેટાઈઝર જેવા જ્વલનશીલ પ્રવાહી વધુ માત્રામાં હતા. ઇમરજન્સી સમયે હોસ્પિટલમાંથી બહાર જવા માટે કોઈ ઇમરજન્સીનો દરવાજો ન હતો. ફકત ચાર ફૂટની પહોળાઈ ધરાવતા પગથિયાની વ્યવસ્થા હતી. આઇસીયુના દરવાજાની પહોળાઈ ત્રણ ફૂટ ચાર ઇંચ જેટલી હતી. મેડિકલ સ્ટાફ ને કોઈ પણ જાતની ફાયર સેફ્ટી બાબતની તાલીમ પણ આપવામાં આવી ન હતી. મેડિકલ સ્ટાફ તાલીમ ના અભાવે ફાયર સાધનોનો ઉપયોગ કરી શક્યા નહોતા.

આ સિવાય ઓટોમેટિક સ્પ્રિંકલ સિસ્ટમની વ્યવસ્થા પણ ન હતી. હોસ્પિટલ તરફથી પોલીસને જાણ કરવામાં નહોતી આવી. જોકે, ફાયર બ્રિગેડે 10 મિનિટમાં આગ પર કાબુ મેળવ્યો હતો. હોસ્પિટલ તરફથી માત્ર ફાયરને જાણ કરવામાં આવી હતી. હાલ કુલ 5 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.