Rajkot: રાજકોટમાં એક પરિવાર અંધશ્રદ્ધાનો શિકાર બન્યો હતો. મળતી જાણકારી અનુસાર, રાજકોટમાં રહેતા અરુણ સાપરિયા ઉર્ફે ગુરજી ભુવાએ એક પરિવાર પાસેથી આઠ લાખ રૂપિયા પડાવી લીધાનો આરોપ લાગ્યો છે. મનહર પ્લોટમાં રહેતા એક વ્યક્તિએ ભુવા વિરુદ્ધ પોલીસમાં અરજી કરી હતી. જેમાં અરજી કરનારે લખ્યું હતું કે અમારા પરિવારમાં મુશ્કેલીઓ આવતી હોવાના કારણે અમે અરુણ સાપરિયા નામના ભુવાના સંપર્કમાં આવ્યા હતા. આ ભુવાએ અમને કહ્યું હતું કે તમારુ કામ અધુરુ છે તમારે દારૂ, મટન અને કુંવારી છોકરી આપવી પડશે.


જોકે અરજીમાં કહેવામાં આવ્યું છે કે ભુવાએ ટૂકડે ટૂકડે તેમની પાસેથી આઠ લાખ રૂપિયા પણ પડાવી લીધા હતા પરંતુ અમારુ કામ ના થતા અમે તેની પાસેથી અમારા રૂપિયા પરત માંગ્યા હતા. જોકે ભુવાએ અમને કામ કરી આપવાના બદલામાં દારૂની બોટલ, મટન અને કુંવારી છોકરીની માંગ કરી હતી. અમે અમારા રૂપિયા પરત માંગતા ભુવાએ રૂપિયા પરત આપવાની ના પાડી હતી. એટલું જ નહી અમને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. ભોગ બનનારે કહ્યું હતું કે ભુવાએ અમારી સાથે છેતરપિંડી કરી છે.


અરજી કરનારે કહ્યું કે ભુવાએ પહેલા 40 હજાર રૂપિયા લીધા હતા અને બાદમાં એક સ્કોચની બોટલ અને મટન લઇ આવવા કહ્યું હતું. બાદમાં તેણે મને કહ્યું હતું કે તું કુંવારી છોકરી લઈ આવ એટલે તારું કામ થઈ જશે. જોકે બાદમાં મને ખ્યાલ આવ્યો કે આ માણસ ખોટો છે. ભુવો વિધિના નંગ 50 થી 60 હજાર રૂપિયામાં વેચે છે.             


આ વર્ષના ઓગસ્ટ મહિનામાં પણ રાજકોટમાં એક બાળકી અંધશ્રદ્ધાના કારણે મોતને ભેટી હતી. વિરમગામમાં રહેતી આ બાળકીને ન્યુમોનિયા થયા હતા. પરિવારે બાળકીની સારવાર કરાવવાના બદલે અંધશ્રદ્ધાના માર્ગે ચઢી ગયા બાળકીને ડામ દીધા. એક બાજુ ન્યુમોનિયાથી પીડિત બાળકી શારિરીક કષ્ટોથી પીડિત હતી અને તેને મેડિકલ ટ્રીટમેન્ટ આપવાના બદલે તેને ધગધગતા ડામ આપીને વધુ પીડા આપી. બાળકીની સ્થિતિ વધુ ગંભીર થતાં તેને કેટી ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જો કે બાળકીને બચાવી શકાઇ નહી અને સારવાર દરમિયાન તેનું મોત થઇ ગયું.