રાજકોટ: રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના તત્કાલીન ડીવાયએસપી જે એમ ભરવાડ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આઠ લાખ રૂપિયાની લાંચ લેવાના આરોપમાં ગૃહ વિભાગે જે એમ ભરવાડને સસ્પેન્ડ કર્યા છે. જેએમ ભરવાડ વિરૂદ્ધ રાજકોટ એસીબીમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988 (સુધારા અધિનિયમ 2018)ની કલમ 7, 12, 13(1) મુજબ ગુનો નોંધાયો હતો.



જે એમ ભરવાડ વતી કોન્સ્ટેબલ વિશાલકુમાર સોનારાએ ફરિયાદી પાસેથી 8 લાખ રૂપિયાની લાંચની રકમ 3 ઓગસ્ટના રોજ હોટલ પાસેથી ધોરાજીમાં સ્વીકારી હતી. જેના કારણે 23 ડિસેમ્બરના ગુજરાત સરકારના ગૃહ વિભાગના આદેશ મુજબ ફરજ મોકુફ હેઠળ મુકવામાં આવ્યા છે.

આઠ લાખ રૂપિયાની લાંચ કેસમાં નામ ખુલતા જે એમ ભરવાડ ફરાર હતા. બાદમાં સુપ્રિમ કોર્ટમાંથી આગોતરા જામીન મેળવ્યા બાદ જે એમ ભરવાડ રાજકોટ એસીબીમાં હાજર થઈ પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. અમદાવાદ એસીબી દ્વારા કોન્સ્ટેબલ વિશાલ સોનારાને આઠ લાખ રૂપિયાની લાંચની રકમ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. જેમાં સહ આરોપી તરીકે જેતપુરના ડીવાયએસપી જેએમ ભરવાડનું નામ પણ ખુલ્યું હતું.

હથિયારના ગુનામાં પકડાયેલા આરોપીને માર ન મારવા તેમજ વધુ પૂછપરછ ન કરવા માટે 10 લાખની માગણી કરવામાં આવી હતી. બાદમાં આઠ લાખ આપવાનું નક્કી થયું હતું.