રાજકોટ : આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ રાજકોટમાં કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. મુલાકાત સમયે રાહુલ ગુપ્તા, ઉદીત અગ્રવાલ તેમજ પરિમલ પંડ્યા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. કોવિડ કેમ્પસમાં લાંબા સમય માટે 108 ઊભી રહેતા હોસ્પિટલના અધિકારીઓને ખખડાવ્યા હતા. તેમજ હોસ્પિટલને લગતા અન્ય જરૂરી સૂચનો પણ આપ્યા હતા.


રાજકોટમાં કોરોનાનો રાઇઝિંગ ટ્રેંડ શરૂ થતાં ગુજરાત સરકાર હરકતમાં આવી ગઈ છે અને આરોગ્ય અગ્ર સચિવે પાંચ દિવસ સુધી રાજકોટમાં ધામા નાંખ્યા છે. આ ઉપરાંત અમદાવાદની 10 તબીબોની ટીમને રાજકોટ બોલાવવામાં આવી છે. આ સિવાય એડિશન ડાયરેક્ટર (મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ) ડો. દિક્ષિત, ડો. સંજય કાપડિયા, ડો. વૈદ્ય સહિત આખી ટીમ રાજકોટ આવી રહી છે અને પાંચ-છ દિવસ રોકાશે.

રાજકોટમાં 3000 બેડની ક્ષમતા સામે 771 જ દર્દી દાખલ છતાં નવી કોવિડ હોસ્પિટલ ઊભી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. સાથે જ અમદાવાદની 10 તબીબોની ટીમને રાજકોટ બોલાવામાં આવી છે. રાજકોટમાં કોરોનાના એક્ટિવ કેસો બે હજારને પાર થઈ ગયા છે. જે અમદાવાદ અને સુરત પછી સૌથી વધુ છે. ત્યારે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ રાજકોટમાં વધી રહેલા કોરોનાના સંક્રમણને લઈને નિવેદન આપ્યું છે, જેમાં તેમણે જણાવ્યું છે કે, રાજકોટમાં કોરોનાનો રાઈઝીંગ ટ્રેંડ શરૂ થયો છે. જેને કારણે કેસો વધી રહ્યા છે.

રાજકોટમાં કોવિડ હોસ્પિટલમાં સારવાર લેતા વધુ 21 દર્દીઓના મૃત્યુ થયા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 19 અને ખાનગી હોસ્પિટલમાં 2 દર્દીના મૃત્યુ થયા છે. રાજકોટ જિલ્લાની સ્થિતિ એટલે પણ વિકટ ગણવી જોઇએ કેમકે, અમદાવાદ અને સુરતની વસતિની દ્રષ્ટીએ રાજકોટની વસતિ ત્રીજા ભાગની છે. જેની સામે એક્ટિવ કેસોની સંખ્યામાં મોટો તફાવત નથી.