રાજકોટઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. દૈનિક કેસો છેલ્લા કેટલાય દિવસોથી હજારને પાર થઈ ગયા છે, ત્યારે હવે અમદાવાદ-સુરત નહીં, પરંતુ રાજકોટની સ્થિતિ બગડી રહી છે. રાજકોટમાં કોરોના સંક્રમણ બેકાબૂ બને એ પહેલા જ સરકારે આગોતરુ આયોજન કર્યુ છે. રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ પાંચ દિવસ રાજકોટમાં ધામા નાખ્યા છે.


રાજકોટમાં 3000 બેડની ક્ષમતા સામે 771 જ દર્દી દાખલ છતાં નવી કોવિડ હોસ્પિટલ ઊભી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. સાથે જ અમદાવાદની 10 તબીબોની ટીમને રાજકોટ બોલાવામાં આવી છે. રાજકોટમાં કોરોનાના એક્ટિવ કેસો બે હજારને પાર થઈ ગયા છે. જે અમદાવાદ અને સુરત પછી સૌથી વધુ છે. ત્યારે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ રાજકોટમાં વધી રહેલા કોરોનાના સંક્રમણને લઈને નિવેદન આપ્યું છે, જેમાં તેમણે જણાવ્યું છે કે, રાજકોટમાં કોરોનાનો રાઈઝીંગ ટ્રેંડ શરૂ થયો છે. જેને કારણે કેસો વધી રહ્યા છે.



રાજકોટમાં કોવિડ હોસ્પિટલમાં સારવાર લેતા વધુ 21 દર્દીઓના મૃત્યુ થયા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 19 અને ખાનગી હોસ્પિટલમાં 2 દર્દીના મૃત્યુ થયા છે. રાજકોટ જિલ્લાની સ્થિતિ એટલે પણ વિકટ ગણવી જોઇએ કેમકે, અમદાવાદ અને સુરતની વસતિની દ્રષ્ટીએ રાજકોટની વસતિ ત્રીજા ભાગની છે. જેની સામે એક્ટિવ કેસોની સંખ્યામાં મોટો તફાવત નથી. સૌરાષ્ટ્રની વાત કરીએ તો હાલ, સૌરાષ્ટ્રમાં 4474 એક્ટિવ કેસો છે. જ્યારે 12,784 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ સૌરાષ્ટ્રમાં કુલ 261 લોકોના કોરોનાથી મોત થયા છે. રાજકોટમાં સૌથી વધુ 2029 એક્ટિવ કેસો છે. આ પછી ભાવનગરમાં 465, જામનગરમાં 430, અમરેલીમાં 392, સુરેન્દ્રનગરમાં 284, જૂનાગઢમાં 251, મોરબીમાં 199, દેવભૂમિ દ્વારકામાં 132, બોટાદમાં 111 અને પોરબંદરમાં 31 એક્ટિવ કેસો છે.