સમગ્ર ગુજરાતમાં હાલ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે જેને કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે ગોંડલના માર્કેટ યાર્ડમાં કેસર કેરીનું આગમન થયું છે. સિઝનની પ્રથમવાર કેસર કેરીનું ગોંડલ માર્કેટ યાર્ડમાં આગમન થયું હતું.

સમગ્ર ભારતમાં ફેલાયેલા કોરોના વાયરસ અને વધતાં જતાં કોરોનાના કેસોની વચ્ચે સૌરાષ્ટ્રના ગોંડલ શાકભાજી માર્કેટ યાર્ડમાં મીઠી મધુર અને ફળોની રાણી ગણાતી કેસર કેરીનું આગમન થયું છે. કોરોના વાયરસને લઈને લોકડાઉન વચ્ચે કેસર કેરીની સિઝન આ વખતે 15 દિવસ મોડી શરૂ થશે તેવું જાણવા મળ્યું છે. તેમ છતાં પણ ગોંડલ માર્કેટમાં છેલ્લા એક અઠવાડિયાથી કેસર કેરીની આવક શરૂ થઈ છે ત્યારે રોજ શાકભાજી માર્કેટમાં કેરીની 250 બોક્સની આવક થઈ રહી છે.

કોરોના વાયરસના લોકડાઉન વચ્ચે ગુજરાતભરના ઘણાં માર્કેટ યાર્ડ બંધ હાલતમાં છે. પરંતું શાકભાજી માર્કેટ યાર્ડમાં સરકાર દ્વારા આપવામાં આવેલ છૂટછાટો અને તકેદારી મુજબ ગોંડલ શાકભાજી માર્કેટ યાર્ડમાં આ વર્ષે પણ ગોંડલમાં કેસર કેરી પાકતી ન હોવા છતાં તાલાલા કરતાં ગોંડલમાં કેરીનું વહેલું આગામન થયું છે. ત્યારે ગોંડલ માર્કેટ યાર્ડ સતાધીશોએ યાર્ડમાં કેસર કેરીની હરાજી બંધ રાખીને ખેડૂતોના માલનું વહેંચાણ થાય અને પોષણક્ષમ ભાવો મળી રહે તેવા આયોજન વચ્ચે સીધા જ વેપારીઓને ગુણવત્તા મુજબનાં કેસર કેરીના બોક્સોનું વહેંચાણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગોંડલ યાર્ડમાં કેસર કેરીના 10 કિલોના બોક્સના ભાવ રૂપિયા 800થી લઈને 1250સુધીના બોલાયા હતાં.

કોરોના વાયરસની મહામારી વચ્ચે ખેડૂતો વેપારીઓના મતે કેસર કેરીનું ઉત્પાદન આ વર્ષે અઢળક જોવા મળશે. પરંતુ કેસર કેરીની સિઝન કેટલો સમય ચાલશે અને ખેડૂતોને કેસર કેરીના કેવા ભાવ મળશે એ તો આગામી દિવસોમાં સમય જ બતાવશે.