મગફળીનો નવો પાક આવવાની ખાદ્યતેલના ભાવ ઘટ્યા હતા. મગફળીની બમ્પર આવક થતા સિંગતેલના ભાવમાં ઘટાડાનો દોર શરૂ થયો છે. રાજકોટમાં તેલ બજારના સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા વીસ દિવસમાં કપાસિયા તેલના ડબ્બે 200 રૂપિયા જ્યારે સિંગતેલમાં ડબ્બે 100 રૂપિયાનો ઘટાડો થયો છે. તેલ બજારમાં અને યાર્ડોમાં મગફળીની આવકોમાં વધારો હતો. પણ હાલમાં છેલ્લા ચાર પાંચ દિવસથી સિંગતેલમાં કોઈ ફેરફાર હતો અને નહીં ભાવ સ્થિર રહ્યા હતા.
હાલમાં અન્ય તેલની કિંમતો પણ કોઈ ખાસ ફેરફાર થયો નથી. સિંગતેલના 15 કિલોના 2600થી 2650 તો સિંગતેલ લેબલ નવા 2410થી 2460 છે. કપાસિયાના 15 કિલોના 2085થી 2135 થયા છે. જ્યારે પામોલીનના 1530થી 1535, સનફ્લાવરના 2150થી 2230, મકાઈ તેલના 1970થી 2040, સરસીયુ તેલના 2270થી 2290નો ભાવ રહ્યો હતો. તેમજ વનસ્પતિના 1500થી 1610, કોપરેલના 2410થી 2460 અને દિવેલના 2490થી 2520ના ભાવો હતા.
દક્ષિણ ગુજરાત પર તોફાન Mandousનો ખતરો
ગાંધીનગરઃ ગુજરાતના ખેડૂતો માટે માઠાના સમાચાર આવ્યા છે. મળતી જાણકારી અનુસાર, સાયક્લોન Mandousની અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર થશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતો ચિંતાતુર બન્યા છે.
બંગાળની ખાડીમાં લો પ્રેશરની સાથે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ કાર્યરત થઈ છે. જેને પગલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના મતે 13 અને 14 ડિસેમ્બરે ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલી, નર્મદા તો 15 ડિસેમ્બરે સુરત, તાપી, ભાવનગરમાં માવઠુ પડી શકે છે. બંગાળની ખાડીમાં સક્રિય થનારી આ સિસ્ટમથી સૂસવાટાભેર પવનો પણ ફૂંકાઈ શકે છે. ફરી કમોસમી વરસાદને લઈ નવસારીમાં બાગાયતી પાકને નુકસાનની ભીતી છે.
આગાહીને પગલે ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને વિવિધ તકેદારી રાખવાની પણ સૂચનાઓ આપી દેવાઈ છે. વર્ષ 2022 માં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં પાકમાં નુકસાન થયું છે એવામાં ફરી એકવાર કમોસમી વરસાદ પડવાની શક્યતાઓને લઈને ખેડૂતોમાં હાલ ચિંતા વધી છે. ગણદેવી, અમલસાડ અને આસપાસના વિસ્તારોમાં ખેડૂતો પોતાના પાકને બચાવવા માટે અનેક ઉપાયો કરી રહ્યા છે.
વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં સતત ઠંડીનો પારો ગગડી રહ્યો છે. રાજ્યના છ શહેરોમાં ઠંડીનો પારો 14 ડિગ્રીને નીચે પહોંચી ગયો છે. જ્યારે ચાર શહેરોમાં ઠંડીનો પારો 14 ડિગ્રી પર પહોંચ્યો છે. નવ ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. રાજ્યના અન્ય શહેરોમાં ઠંડીની વાત કરીએ તો નલિયા બાદ કેશોદમાં ઠંડીનો પારો 12.2 ડિગ્રી પર પહોંચ્યો હતો. જ્યારે ડીસામાં ઠંડીનો પારો 12.5 ડિગ્રી પર પહોંચ્યો હતો. વડોદરામાં ઠંડીનો પારો 13 ડિગ્રી પર પહોંચ્યો હતો. જ્યારે મહુવામાં ઠંડીનો પારો 13.5 ડિગ્રી પર પહોંચ્યો હતો. વલ્લભવિદ્યાનગરમાં ઠંડીનો પારો 13.6 ડિગ્રી પર પહોંચ્યો હતો. તો વલસાડ, ભૂજ, પોરબંદર અને રાજકોટમાં ઠંડીનો પારો 14 ડિગ્રી પર પહોંચ્યો છે