રાજકોટઃ ગુજરાતમાં અમદાવાદમાં કોરોનાનો કહેર સૌથી વધુ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટ જિલ્લા કલેક્ટરનો મહત્વનો નિર્ણય લીધો છે અને રાજકોટથી અમદાવાદ જવા અને અમદાવાદથી રાજકોટ આવવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. માત્ર મેડિકલ ઇમરજન્સી અને એબ્યુલન્સ જ અવરજવર કરી શકશે. અમદાવાદથી રાજકોટ આવેલી વ્યક્તિનો રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ આ નિર્ણય લેવાયો છે.

નોંધનીય છે કે, અમદાવાદમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 4716 કેસો નોંધાયા છે. જ્યારે 778 લોકોએ કોરોનાને મ્હાત આપી છે અને 298 લોકોના અત્યાર સુધીમાં મોત થયા છે. જ્યારે અમદાવાદ જિલ્લામાં 20708 લોકો ક્વોરોન્ટાઇનમાં છે.



છેલ્લા 24 કલાકની વાત કરીએ તો અમદાવાદમાં ગઈ કાલે સાંજે પાંચ વાગ્યા સુધીમાં 291 કેસ નોંધાયા છે. જ્યારે 74 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ કોરોનાને કારણે અમદાવાદમાં 25 લોકોના મોત થયા છે. રાજકોટમાં આજે કોરોનાના વધુ બે કેસ પોઝિટિવ આવ્યા છે. 38 વર્ષીય પુરુષ અને 19 વર્ષીય યુવતીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જંગલેશ્વર વિસ્તારની યુવતી અને મનહર પ્લોટ વિસ્તારના પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પુરુષ અમદાવાદથી પરત રાજકોટ આવ્યો હતો, જેનો ક્વોરોન્ટીન દરમિયાન રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસોનો આંક 65એ પહોંચ્યો છે. રાજકોટ શહેરના 63 અને ગ્રામ્યના 2 મળી પોઝિટિવ આંક 65 પહોંચ્યો છે. હાલમાં 65 પૈકી 24 દર્દીને રજા આપવામાં આવી છે. જ્યારે 41 દર્દી સારવાર હેઠળ છે.