રાજકોટઃ ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. તેમજ ગુજરાત સહિત સમગ્ર દેશમાં આગામ 17મી મે સુધી લોકડાઉન છે, ત્યારે રાજકોટ જિલ્લામાં લગ્ન માટે શરતી મંજૂરી આપવામાં આવી છે. જેને કારણે હવે રાજકોટ જિલ્લામાં લગ્ન સમારંભ યોજી શકાશે, પરંતુ આ માટે કેટલીક શરતોનું પાલન કરવાનું રહેશે.


આ અંગે રાજકોટના અધિક કલેક્ટર પરીમલ પંડ્યાએ માહિતી આપતાં જણાવ્યું હતું. રાજકોટ શહેર અને જિલ્લામાં લગ્ન સમારંભ યોજવા માટે પ્રાંત અધિકારી મંજૂરી આપશે. લગ્નમાં ફક્ત 20 લોકો જ હાજર રહી શકશે. એટલું જ નહીં, મેળાવડા નહીં થઈ શકે. ફક્ત સાદાઇથી જ લગ્ન કરી શકાશે.

આ ઉપરાંત લગ્ન પ્રસંગમાં ફૂલેકો કે જમણવાર યોજી શકાશે નહીં. નોંધનીય છે કે, જે યુવક-યુવતીઓની સગાઈ થઈ ગઈ હતી અને આ સમય દરમિયાન લગ્ન યોજવાના હતા. પરંતુ લોકડાઉનને કારણે લગ્નો અટકાઈ પડ્યા હતા. તેઓ છેલ્લા દોઢ મહિનાથી લગ્નની રાહ જોતા હતા. હવે કલેક્ટર દ્વારા મંજૂરી મળતા આ લગ્નો થઈ શકશે.