Lok Sabha Election: રાજકોટ બેઠક પર ભાજપ ઉમેદવાર પરશોત્તમ રૂપાલાને લઇને ક્ષત્રિય સમાજમાં ભારોભાર રોષ ફેલાયો છે, રાજકોટ બેઠક પર આ પહેલા કેટલાક ભાજપ નેતાઓ પક્ષ છોડીને ક્ષત્રિય સમાજને સાથ આપી ચૂક્યા છે, હવે આ કડીમાં વધુ એક નેતાનું નામ પણ સામે આવ્યુ છે. હાલમાં વિંછીયાના ભાજપ નેતા અચાનક પક્ષની ઉપરવટ જઇને કોંગ્રેસના પ્રચારમાં જોડાયા હતા, ભાજપના બદલે તેઓ પરેશ ધાનાણીના પ્રચારમાં જોડાઇ ગયા, આ ઘટનાને પગલે હવે ભાજપે તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. 


રાજકોટમાં ભાજપ માટે કપરા ચઢાણ બની રહ્યાં છે. પરશોત્તમ રૂપાલાની ક્ષત્રિય સમાજની બહેનો માટે કરેલી અભદ્ર ટિપ્પણીના પડઘા હવે પક્ષના જ હોદ્દેદારો અને કાર્યકરો પર પડી રહ્યાં છે. રાજકોટ બેઠક પર હવે ભાજપના નેતાઓ ભાજપ માટે નહીં પરંતુ વિપક્ષ કોંગ્રેસ માટે પ્રચાર કરી રહ્યા છે. હાલમાં જ રાજકોટના વિંછિયા તાલુકા પંચાયતના ભાજપ સહ ઈન્ચાર્જને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઘટના એવી છે કે, વિંછિયાના ભાજપ સહ ઇન્ચાર્જ નેતા ભૂપત પડાણી અચાનક ભાજપ- પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે, ભાજપને બદલે ભૂપત પડાણીએ અચાનક કોંગ્રેસના પરેશ ધાનાણીના પ્રચારમાં જોડાયા હતા, આ ઘટના બાદ પક્ષ વિરોધી પ્રવૃતિ કરવા બદલ ભૂપત પડાણીએ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. ભૂપત પડાણીને હાલમાં પ્રાથમિક સભ્ય પદેથી સસ્પેન્ડ કરાયા છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ બેઠક પર ભાજપ માટે હવે કપરાં ચઢાણ બની રહ્યા છે. 


રાજ્યમાં ક્ષત્રિયોના અડગ વલણ સામે ભાજપ લાચાર, ફરી એકવાર રૂપાલાએ માફી માંગી, ને કહ્યું........


રાજ્યમાં પરશોત્તમ રૂપાલાનો વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. ક્ષત્રિય સમાજે હવે ધર્મરથ કાઢીને ભાજપને હરાવવા અને મોટી સંખ્યામાં ભાજપ વિરૂદ્ધ મતદાન કરવા અપીલ કરી છે. આ ધર્મરથ રાજ્યમાં ઠેર ઠેર ફરી રહ્યો છે. ધર્મરથથી ક્ષત્રિયો ફરી એકવાર એકઠા થઇ રહ્યાં છે અને ભાજપ વિરૂદ્ધ મતદાન કરવા માટે સંકલ્પ લઇ રહ્યાં છે. આ બધાની વચ્ચે હવે ભાજપ નેતા પરશોત્તમ રૂપાલાએ ફરી એકવાર ક્ષત્રિય સમાજની માફી માંગી છે. અગાઉ પણ ત્રણ વાર ક્ષત્રિય સમાજની માફી માંગી ચૂક્યા છે. તાજેતરમાં જ ક્ષત્રિયો મુદ્દે કરેલી ટિપ્પણીને રૂપાલાએ પોતાની મોટી ભૂલ માની છે, અને પોતાને માફ કરી દેવા ક્ષત્રિયોને અપીલ કરી છે. પોતાની ભૂલની સજા પક્ષને ના આપવા પણ વિનંતી કરી છે. રૂપાલાએ માફી માગવાની સાથે વડાપ્રધાનના કાર્યો, ભાજપ સાથે ક્ષત્રિયોના સંબંધને યાદ કર્યા હતા.


શું છે રૂપાલાનો અભદ્ર ટિપ્પણીનો વિવાદ 
પરશોત્તમ રૂપાલાએ તાજેતરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકોટમાં વાલ્મિકી સમાજના એક સ્નેહમિલન સમારોહમાં સભા સંબોધી હતી. આ દરમિયાન રૂપાલાએ રજવાડાઓને લઈને વિવાદિત નિવેદન આપ્યુ હતુ. આ સભામાં તેમને કહ્યું હતુ કે, અંગ્રેજોએ દમન કરવામાં કંઈ બાકી નહોંતુ રાખ્યુ અને મહારાજાઓ નમ્યા, રાજા- મહારાજાઓએ રોટી-બેટીના વ્યવહારો કર્યા પણ મારા રૂખી સમાજે ન તો ધરમ બદલ્યો ન તો વ્યવહારો કર્યા. સૌથી વધુ દમન તેમના પર થયા હતા. આજે હજાર વર્ષે રામ એમના ભરોસે આવ્યો છે. એ સમયે તેમની તલવાર આગળ પણ નહોંતા ઝુક્યા. પરસોત્તમ રૂપાલાના આવા વિવાદિત નિવેદનો બાદ સમગ્ર ગુજરાતમાં વિરોધ ઉગ્ર બન્યો હતો.