Devayat Khawad helmet law: લોકસાહિત્યકાર દેવાયત ખવડે રાજકોટ શહેરના વિસ્તારોમાં હેલ્મેટ પહેરવાના કાયદાની કડક અમલવારી સામે અવાજ ઉઠાવ્યો છે. તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી એક વીડિયો અપલોડ કરીને રાજ્ય સરકારને આ કાયદામાંથી સામાન્ય લોકોને રાહત આપવા માટે અપીલ કરી છે.
દેવાયત ખવડે પોતાના વીડિયોમાં જણાવ્યું હતું કે, શહેરી વિસ્તારમાં ટ્રાફિક અને અંતર ઓછું હોય છે, જેથી ઘણા લોકો હેલ્મેટના કાયદાના કારણે ભારે હેરાનગતિ અનુભવી રહ્યા છે. તેમણે રજૂઆત કરી કે, આ કાયદાની અમલવારીથી વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે, અને તેથી સરકારે લોકોની સુવિધાને ધ્યાનમાં રાખીને આ નિયમમાં ફેરફાર કરવો જોઈએ. તેમની આ અપીલને સોશિયલ મીડિયા પર અનેક લોકોનો ટેકો મળી રહ્યો છે.
રાજકોટમાં હેલ્મેટની ફરજિયાત અમલવારી સામે જબરજસ્ત વિરોધ: લોકોમાં આક્રોશ
રાજ્ય સરકારના આદેશ બાદ રાજકોટમાં આજે ટ્રાફિક પોલીસે હેલ્મેટ ફરજિયાત કાયદાની કડક અમલવારી શરૂ કરી હતી, જેના કારણે શહેરીજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. શહેરના ૪૦ જેટલા મુખ્ય સ્થળોએ ૪૦૦થી વધુ પોલીસ જવાનો દ્વારા સવારથી જ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને હેલ્મેટ વગરના વાહનચાલકો પાસેથી ₹૫૦૦નો દંડ વસૂલવામાં આવ્યો હતો.
પોલીસની આ કડક કાર્યવાહી સામે લોકોએ અનોખી રીતે વિરોધ વ્યક્ત કર્યો હતો. એક નાગરિક બુખારીભાઈએ હેલ્મેટના બદલે માથા પર તપેલી પહેરીને 'હેલ્મેટ હટાવો'ના સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, હેલ્મેટ પહેરવાથી સિનિયર સિટિઝન મૂંઝાઈ જાય છે અને અકસ્માતોનું મૂળ કારણ ખરાબ રસ્તાઓ છે, હેલ્મેટ નહીં. તેમણે સરકારને પડકાર ફેંકતા કહ્યું કે, "જો તમે લેખિતમાં આપો કે હેલ્મેટ પહેરવાથી મૃત્યુ નહીં થાય, તો અમે હેલ્મેટ પહેરીશું."
બીજી તરફ, આમ આદમી પાર્ટી (AAP)ના કાર્યકર્તાઓએ પણ પ્રયા ચોકડી ખાતે હેલ્મેટ પછાડીને વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેના પગલે પોલીસ દ્વારા અનેક કાર્યકર્તાઓ અને આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી.
પોલીસ અને લોકોના મંતવ્યો: ડીસીપી ટ્રાફિક હરપાલસિંહ જાડેજાએ જણાવ્યું કે, હેલ્મેટનો કાયદો ૧૯૮૮થી અમલમાં છે અને તેનો હેતુ અકસ્માતમાં હેડ ઇન્જરીથી બચાવવાનો છે. તેમણે ઉમેર્યું કે, રાજકોટ પોલીસે ૩,૦૦૦થી વધુ હેલ્મેટનું નિઃશુલ્ક વિતરણ પણ કર્યું છે.
જોકે, લોકોનું કહેવું છે કે, શહેરમાં અનેક રસ્તાઓ ખાડાવાળા છે, જેના કારણે અકસ્માતો થાય છે. તેમણે સૂત્રોચ્ચાર કર્યા હતા કે, "પહેલા ખાડા પૂરો, પછી હેલ્મેટની અમલવારી કરો." લોકોએ દલીલ કરી હતી કે શહેરી વિસ્તારોમાં ટૂંકા અંતર માટે હેલ્મેટ ફરજિયાત કરવું યોગ્ય નથી. પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલે પણ મુખ્યમંત્રીને પત્ર લખીને શહેરી વિસ્તારના નાગરિકોને આ નિયમમાંથી મુક્તિ આપવા વિનંતી કરી છે.