Morbi Rain: મોરબી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. મોરબી શહેર,ટંકારા,મોરબી રાજકોટ હાઇવે, લજાઈ ગામ, વિરપર, શનાળા, રવાપર, મહેન્દ્રનગર, સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.



તો બીજી તરફ વાંકાનેરનો મચ્છુ 1 ડેમ 80% ભરાયો છે. ઉપરવાસમાં સારા વરસાદને પગલે મચ્છુ 1 ડેમમાં નવાનીર આવ્યા છે. મચ્છુ 1 ડેમ 80% ભરાતા 24 ગામોને એલર્ટ કરાયા છે. મળતી માહિતી પ્રમાણે મોરબી વિસ્તારમાં અને ઉપરવાસમાં થયેલા સારા વરસાદને કારણે 2601 ક્યુસેક પાણીની આવક થઈ છે.


મચ્છુ 1 ડેમમાં પાણીની આવક વધતા વાંકાનેર તાલુકાના ૨૦ અને મોરબી તાલુકાના ૪ ગામો એલર્ટ કરવામાં આવ્યા છે. ડેમ વિસ્તારના ગામના લોકોને નદીના પટમાં ન જવા સુચના આપવામાં આવી છે.  તો માલ મિલકત સલામત સ્થળે ખસેડવામાં અને ઢોરને નદીના પટમાં ન જવા દેવા સુચના આપવામાં આવી છે.


વાંકાનેર તાલુકાના હોલમઢ, જાલસીકા, વાંકાનેર, મહિકા, કોઠી, ગારીયા, જોધપર, પાજ, રસિકગઢ, લુણસરિયા, કેરાળા, હસનપર, પંચાસર, વધાસીયા, રાતીદેવળી, વાકિયા, રાણેકપર, પંચાસીયા અને ધમલપર તો મોરબી તાલુકાના અદેપર, મકનસર, લખધીરનગર અને લીલાપર ગામો એલર્ટ પર રાખવામાં આવ્યા છે.


 



રાજ્યમાં આગામી 24 કલાક હજુ પણ ભારે વરસાદની આગાહી


હવામાન વિભાગે  આગામી પાંચ દિવસ માટે   મહત્વની આગાહી કરી છે. આગામી 24 કલાક રાજ્યમાં  વરસાદનું જોર યથાવત રહેશે. બે દિવસ બાદ વરસાદનું જોર ઘટશે. જોકે પાંચ દિવસ સુધી છુટછવાયો વરસાદ રહેશે.


હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી પાંચ દિવસ રાજ્યભરમાં વરસાદી માહોલ રહેશે જો કે 24 કલાક બાદ વરસાદનું જોર ઘટશે. હવામાન વિભાગે આજે રાજકોટ, દ્વારકા, ભાવનગર, વલસાડ, દમણ અને, દાદરા નગર હવેલીમાં રેડ અલર્ટ જાહેર કર્યું છે. આ વિસ્તારમાં આજે અને આવતી કાલે એટલે 24 જુલાઇ સુધી ભારે વરસાદ રહેશે.  24 જુલાઇ સુધી સૌરાષ્ટ્રમાં પણ ભારેથી અતિભારે વરસાદની સ્થિતિ રહેશે. નવસારી, જામનગર, કચ્છ, અમરેલી, સોમનાથ, જૂનાગઢ, ભરૂચ,વડોદરામાં ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે.

હાલ મોન્સૂન ટ્રફ ડીસા ઉપર હોવાથી  આગામી પાંચ દિવસ છૂટછવાયા વરસાદનું અનુમાન છે. વરસાદની શક્યતાને જોતા આગામી ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આવતી કાલે માટે વરસાદની શક્યતાને જોતા મહેસાણા. બનાસકાંઠા. સાબરકાંઠા. દ્વારકા અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આપ્યુ છે. જ્યારે અમદાવાદ. ગાંધીનગર, એવલ્લી,નવસારી, વલસાડ, જૂનાગઢ, ગીર સોમનાથમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial