જેતપુરઃ વીરપુર ગામે રહેતી એક બાળકીને મોરબીના કાગદડી ગામે રહેતા કૌટુંબિક બનેવીએ નવી કાર પત્નીને બતાવવી હોય અને બાળકીના હાથે સગુનનું તિલક કરવાના બહાને લઈ જઈ દેવચડી ગામની સીમ વિસ્તારમાં પીંખી નાખ્યાંની ઘટના પ્રકાશમાં આવતાં ખળભળાટ મચી ગયો છે. પોક્સો એકટ હેઠળ નોંધાયેલ ફરિયાદમાં પોલીસે આરોપીને ત્વરિત ઝડપી લીધો હતો.

મોરબીના કાગદડી ગામે રહેતા આરોપીનું સાસરીયું ગોંડલના દેવચડી ગામે આવેલ છે. જેમાં તેની પત્ની રીસામણે હોય યુવક ગતરોજ વીરપુર ગામે રહેતા પોતાના મામાજી સસરાને ત્યાં આવેલ. તેમજ મામાજીને પોતે નવી કાર લીધી હોય તે પોતાની પત્નીને દેવચડી ગામે બતાવવા જવું છે અને નવી કારને કુંવારી કન્યાના હાથે શગુનનું તિલક કરાવાનું હોવાથી મામાજીને તેની દીકરીને સાથે મોકલવાનું જણાવ્યું હતું. આથી મામાજીએ જમાઈને ના પાડશું તો ખોટું લાગશે તેમ વિચારી પોતાની 11 વર્ષની પુત્રીને તેની સાથે મોકલી હતી

સાંજનો સમયે કૌટુંબીક જમાઈએ પોતાના સાળા મારફત બાળકીને વીરપુર તેણીના ઘરે મોકલી આપી હતી. બાળકી ઘરે આવતા જ બેહોશ જેવી થઈ જતા તેણીને તરત જ વીરપુર સરકારી હોસ્પિટલે લઈ જવામાં આવી ત્યાં ડોકટરે બાળકી પર બળાત્કાર થયું હોવાનું જણાવતા પરિવારજનોની પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. બીજી બાજુ બળાત્કારને કારણે બાળકીની હાલત બગડતી જ જતા તેણીને સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવી. આ બાજુ જમાઈને મામાજીએ ફોન કરતા જમાઈ લાજવાને બદલે ગાજવા લાગ્યો અને બંદૂકથી ગોળીએ દઈને મારી નાંખવાની ધમકી આપવા લાગ્યો.

આ ગંભીર બનાવની જાણ વીરપુર પોલીસને થતાં પોલીસે પોક્સો એક્ટ હેઠળ બળાત્કારની ફરીયાદ નોંધી આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી હતી. પરંતુ આરોપી ભોગ બનનારના પરીવારજનોને તેમજ બાળકીને પણ જાનથી મારી નાંખશે તેવી મોબાઈલ પર ધમકી આપતો હોય એએસપી સાગર બાગમરે આરોપીને તાત્કાલીક ઝડપી લેવા માટેની કામગીરી એલસીબીને સોંપતા એલસીબીએ આરોપી આરોપીને તેના ગામ કાગદડીથી ઝડપીને વીરપુર પોલીસને હવાલે કર્યો હતો.

આરોપી ઝડપાઇ ગયાની જાણ બાળકીના વિસ્તારવાસીઓને થતાં સ્થાનિક મહિલાઓનું ટોળું હાય હાયના નારા લગાવતું પોલીસ સ્ટેશને આવી આરોપીને અમને સોંપી દો, સજા અમે આપીશુંની માંગ કરી હતી. પોલીસે અમો આરોપીને સખતમાં સખત સજા અપાવશું તેવું આવેલ મહિલાઓના ટોળાઓને બાંહેધરી આપતાં ટોળું ત્યાંથી વિખેરાયું હતું.