રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે જાહેરનામું બહાર પાડ્યું છે અને ચાઇનીઝ દોરા, તુક્કલનાં વેચાણ અને ખરીદી પર પ્રતિબંધ લગાવ્યો છે. આ જાહેરનામા મુજબ 18 ડિસેમ્બરથી 16 જાન્યુઆરી સુધી કોઇપણ વ્યક્તિ જાહેરમાર્ગ, રસ્તા, ફૂટપાથ અને ભયજનક ધાબા પર પતંગ ઉડાવી શકશે નહીં.
આ ઉપરાંત ખૂબ જ મોટા અવાજ સાથે લાઉડસ્પીકર વગાડી શકાશે નહીં. લોકોની લાગણી દુભાય એવાં લખાણવાળી પતંગ ઉડાવી શકાશે નહીં. હાથમાં મોટા ઝંડા અને વાંસના બાંબુ લઇ કપાયેલી પતંગ લૂંટવા દોડાદોડી કરી શકાશે નહીં. એટલું જ નહીં, ઉત્તરાયણે જાહેરમાર્ગો પર ઘાસચારાનું વેચાણ કરી શકાશે નહીં તેમજ જાહેર રસ્તા પર પશુઓને ઘાસચારો નાખવા પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.