રાજકોટ: રાજકોટ ખોડલધામમાં નરેશ પટેલ અને કોળી સમાજના આગેવાનો વચ્ચે બંધ બારણે બેઠક મળી હતી. આ બેઠક બાદ નરેશ પટેલે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું કે કોળી સમાજ અને પટેલ સમાજ એક થઈને સાથે રહીને કાર્ય કરે તેવો નિર્ણય કર્યો છે. આ સાથે જ રાજકારણમાં પ્રવેશ બાબતે દરેક સમાજ આહ્વાન કરે ત્યારે રાજકારણમાં પ્રવેશનો સાચો દિવસ હશે તેમ નરેશ પટેલે જણાવ્યું છે. નરેશ પટેલે વધુમાં જણાવ્યું કે કોળી સમાજ, પાટીદાર સમાજ અને દરેક સમાજ સાથે રહી ગુજરાતનો વિકાસ થાય તેવો નિર્ણય કર્યો છે. નરેશ પટેલ અને માંધાતા કોળી સમાજના આગેવાન રાજુ સોલંકી સહિતના કોળી સમાજના આગેવાનો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. બીજી તરફ પાસના દિનેશ બાંભણીયા પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.


ખોડલધામના નરેશ પટેલે  જણાવ્યું હતું કે  માંધાતા ગ્રુપના કોળી સમાજના આખા ગુજરાતમાંથી રાજુભાઈ સોલંકીની આગેવાની હેઠળ આગેવાનો ખોડલધામ મા ખોડલના દર્શન કરવા પધાર્યા હોવાથી તેમનું હાર્દિક સ્વાગત કરું છું. મંદિરે દર્શન કર્યા બાદ બેઠક યોજાઇ હતી. બેઠકમાં બંને સમાજ એક થાય અને બંને સમાજ જ્યાં પણ બેયને જરૂર પડે ખભેખભો મીલાવી કાર્ય કરે એવો અત્યારે નિર્ણય કર્યો છે. ગુજરાત વિધાનસભામાં 182 બેઠક છે, ત્યારે રાજકારણમાં જોડાવા માટે સચોટપણે મને દરેક સમાજમાંથી આહવાન થાય અને મીડિયા સમક્ષ એ વાત મૂકુ એ સાચો દિવસ હશે. ગુજરાતનો વિકાસ પાટીદાર અને કોળી બંને સમાજ ઇચ્છે છે. 


રાજુ સોલંકીએ જણાવ્યું હતું કે, ખૂબ સારી બેઠક રહી, ખાસ કરીને નરેશભાઈએ મા ખોડલના દર્શન કરવા આમંત્રણ આપ્યું જેને લઇને હું અને ગુજરાત માંધાતા ગ્રુપના તમામ હોદ્દેદારો આનંદ અનુભવે છે. આ બેઠકમાં ખાસ કરીને સામાજિક ચર્ચાઓ થઈ છે. ગુજરાતની અંદર સૌથી વધુ વસ્તી ધરાવતો સમાજ હોય તો એ પાટીદાર અને કોળી સમાજ છે. ત્યારે સામાજિક, આર્થિક, શૈક્ષણિક તમામ મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી. નરેશભાઈ સાથે જે અમારી ચર્ચા થઈ તેમાં સમાજના ઉત્થાન માટેની વાતો કરવામાં આવી હતી. શિક્ષણ, રોજગારી અને ખાસ કરીને ગુજરાતમાં ખોડલધામ મંદિર બન્યું એવું અમારે પણ કોળી સમાજનું ભવ્ય અને દિવ્ય મંદિર બને તેની ચર્ચા કરવામાં આવી હતી.