Mega demolition in Morbi: મોરબી શહેરના પંચાસર રોડ પહોળો કરવા માટે રોડ બનાવવામાં નડતરરૂપ ગેરકાયદે દબાણો ઉપર તંત્ર દ્વારા મેગા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. અગાઉ નોટિસ આપ્યા છતાં મકાનોના દબાણ નહિ હટતા આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડે. કલેકટર, ઇન્ચાર્જ ચીફ ઓફિસર, મામલતદાર સહિતના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા આશરે ૨૦૦ જેટલા મકાનો તોડી પડવાની કામગીરી હાથ ધરાઈ છે.

મોરબીના પંચાસર રોડને પહોળો બનાવવાની કામગીરી મંજૂર થતા આ રોડ બનાવવા માટે પાલિકા તંત્રએ અગાઉ પંચાસર રોડ ઉપર આવેલ ભારતપરામાં ૩૦થી વધુ વર્ષોથી કાચા પાકા મકાનોમાં રહેતા આશરે ૩૦૦ જેટલા પરિવારોને નોટિસ આપી હતી અને જો આ મકાનો જાતે નહીં ખાલી કરે તો તંત્ર દ્વારા ગેરકાયદેસર મકાનો તોડી પડાશે તેવી નોટીસ પણ આપવામાં આવી હતી.


નોટીસનો સમયગાળો પૂર્ણ થતા આજે સવારે તંત્રએ પંચાસર રોડ ઉપર ભરતપરામાં મકાનો પર બુલડોઝર ફેરવી દીધું હતું. આજે સવારથી મોરબી નગરપાલિકા તંત્રના ઇન્ચાર્જ ચીફ ઓફિસર, ડીવાયએસપી, ૧૨૦ પોલીસ જવાનો અને ૧૫ પોલીસ અધિકારી, ડે. કલેકટર અને મામલતદાર, સહિત રેવન્યુ અને પાલિકાનો 50 જેટલો સ્ટાફે ડીમોલેશન હાથ ધરીને આશરે ૨૦૦ જેટલા ગેરકાયદે મકાનો પર બુલડોઝર ફેરવી દેવાની કાર્યવાહી હાથ ધરી છે.


મોરબી પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર સુશીલ પરમારે જણાવ્યું હતું કે, રોડ પહોળો કરવામાં નડતર રૂપ બાંધકામ હટાવવા માટે લોકોને પૂરતો સમય આપવામાં આવ્યો હતો અને અનેક લોકોએ પોતાના મકાન સ્વૈચ્છીક ખાલી કરી નાખ્યા છે અને બાકી રહેતા મકાનો હટાવવા માટે હાલમાં પાંચ જેસીબી, 8થી વધુ ટ્રેક્ટરો સહિતના વાહનોના મોટા કાફલા સાથે મેગા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું છે.