મોરબીઃ વાંકાનેર પાલિકાની આજે સામાન્ય સભા મળે તે પહેલા જ ભાજપમાં ખુલ્લો બળવો થયો છે. સામાન્ય સભામાં આજે પ્રમુખ અને ઉપપ્રમુખની જાહેરાત થશે, તે પહેલા બળવો થયો હતો. સભા શરૂ થાય તે પહેલાં 16 સભ્યોને ભાજપના મેન્ડેડ આપવામાં આવ્યા હતા. પરંતુ 24માંથી 16 સભ્યોએ ભાજપનું મેન્ડેડ સ્વીકાર્યું નહોતું. તેમજ પ્રમુખ-ઉપપ્રમુખના નામની જાહેરાત થાય તે પહેલાં રાજીનામાં પડ્યા હતા. 


પાલિકાના ચૂંટાયેલા ભાજપના 16 સભ્યોએ રાજીનામા ધરી દીધા હતા. સર્વ સંમતિથી પ્રમુખ અને ઉપપ્રમુખના નામ નક્કી કરવામાં આવેલ, પરંતુ પક્ષ દ્વારા જે નામ જાહેર કરવામાં આવે તેને પ્રમુખ-ઉપપ્રમુખ બનાવવામાં આવશે તેમ કહી નામ જાહેર નહીં કરતા સભ્યો નારાજ થયા હતા. ભાજપના ચૂંટાયેલા 24 સભ્યોમાંથી 16 સભ્યોએ રાજીનામા આપ્યા છે. 


વાંકાનેર શહેર ભાજપ પ્રમુખે જિલ્લા ભાજપ પ્રમુખને પત્ર લખી યોગ્ય કાર્યવાહી કરવા રજુઆત કરી હતી. જિલ્લા પ્રમુખે પોતાને આવો કોઈ પત્ર મળ્યો હોવાનો ઇનકાર કર્યો હતો. આ મામલે વાંકાનેર શહેર પ્રમુખનો કોન્ટેકટ કરવાનો પ્રયાસ કર્યો પણ તેમનો ફોન બંધ આવી રહ્યો છે.
વાંકાનેર પાલિકામાં આજે નવા જુનીના એંધાણ છે. ભાજપને બહુમતી આવી હોવા છતાં પાલિકા ગુમાવે તેવી શક્યતા છે. હાલ બંધ બારણે ચૂંટણીની કામગીરી શરૂ કરવામાં આવી છે. 


નોંધનીય છે કે, વાંકાનેર પાલિકામાં ભાજપના 24 અને બેસપીના 4 સભ્યો છે. જોકે, હવે 16 સભ્યોએ રાજીનામા ધરી દેતા 8 જ ભાજપના સભ્યો રહ્યા છે.