રાજકોટઃ ભારે બફારા પછી રાજકોટના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. સૌરાષ્ટ્રમાં સાંજ સુધી ભારે વરસાદની આગાહી વચ્ચે અમરેલી, જૂનાગઢ, ગીરસોમનાથ જિલ્લાઓમાં પણ જબરદસ્ત વરસાદી માહોલ જામ્યો છે. ગાજવીજ સાથે શહેરમાં વરસાદનું આગમન થયું છે. શહેરના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે.


રાજકોટના યાજ્ઞિક રોડ પર વરસાદ પડી રહ્યો છે. વરસાદ બાદ રસ્તા પર પાણી ભરાયા છે. રૈયા ચોકડી વિસ્તારમાં પણ વરસાદ પડી રહ્યો છે. રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. સરધાર અને આજુબાજુના અમુક વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે.

રાજકોટના ગોંડલ પંથકમાં પણ વરસાદ શરૂ થયો છે. ગોંડલના દેરડી, સાળથલી, વાસાવડ સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.