રાજકોટઃ રાજકોટની એચ.એન. શુક્લા નર્સિંગ કોલેજમાં ત્રીજા વર્ષમાં ભણતી 20 વર્ષની સુજાતા ચૌહાણ નામની વિદ્યાર્થિનીએ મેડિકલ કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં આપઘાત કરી લેતાં ખળભળાટ મચ્યો છે. સુજાતાએ હોસ્ટેલના આઠમા માળે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી છે. ઓનલાઇન ભણતર, કોવિડની નોકરી તેમજ નાદુરસ્ત તબિયતથી થાકી જઇ સ્ટુડન્ટ નર્સે આ પગલું ભર્યું હોવાની ચર્ચા છે.

સુજાતાએ તેની મમ્મી સાથે છેલ્લી વાત કરી હતી અને એક મહિનાની રજા રાખી ઘરે આવી રહી હોવાનું કહ્યું હતું. જો કે સુજાતાએ આપઘાત કરી લેતાં પરિવારમાં શોક વ્યાપી ગયો છે. સુજાતાની રૂમ પાર્ટનર સોનુ સાંજે સવાઆઠ વાગ્યે નોકરી પૂરી કરી રૂમે પહોંચી ત્યારે સુજાતાનો મૃતદેહ લટકતો હતો.

જોડિયાના લખતર ગામે રહેતી સુજાતા પ્રવીણભાઈ ચૌહાણ લાલપરી પાસે બી.એમ. ક્યાડા કોલેજ કેમ્પસમાં આવેલી એચ. એન. શુકલા નર્સિંગ કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. હાલમાં અભ્યાસ ઓનલાઇન ચાલુ હતો. સરકારના આદેશના પગલે કોવિડ હોસ્પિટલની સેવામાં નર્સિંગ સ્ટુડન્ટને પણ ફજ સોંપાઈ હોવાથી સુજાતા રાજકોટ સિવિલ કોવિડ સેન્ટરમાં સ્ટુડન્ટ નર્સ તરીકે ફરજ બજાવતી હોવાથી તેને સિવિલ હોસ્પિટલની નજીકમાં આવેલી ન્યૂ નર્સિંગ હોસ્ટેલમાં આઠમા માળે રૂમ નં. 830 ફાળવાયો હતો.

સુજાતાના પિતા પ્રવીણભાઇ ચૌહાણે કહ્યું હતું કે દીકરીને કોઇ તકલીફ હોય એવું જણાયું નહોતું. તેણે કોઇ ચિઠ્ઠી પણ લખી નથી કે કોઇની હેરાનગતિ કે ત્રાસ હોવાની પણ કોઇ શકયતા જણાતી નથી. પોલીસ તપાસ બાદ સાચું કારણ બહાર આવી શકશે. અમને કોઇ પ્રત્યે શંકા નથી.