ખાતમુહૂર્ત પ્રસંગ માટે સ્થળ પર એક વિશાળ ડોમ ઉભો કરાયો છે. રાજકોટથી એઈમ્સ સુધીના રસ્તા પર ઠેર ઠેર બેનર્સ લગાવાયા છે. એઈમ્સના શિલાન્યાસમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી રૂપાણી ઉપરાંત નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.હર્ષવર્ધન, રાજ્યમંત્રી અશ્વીનીકુમાર ચૌબે વગેરે હાજર રહેનાર હોય આજે પોલીસ-પ્રશાસન દ્વારા રિહર્સલ યોજવામાં આવ્યું હતું. એરપોર્ટ, રેસકોર્સ રીંગરોડ, જામનગર રોડ સહિત માર્ગો પર વહેલી સવારથી ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે.
1 હજાર 195 કરોડના ખર્ચે નિર્માણ થનાર રાજકોટ એઈમ્સનું કામ જૂન 2022 સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે. 201 એકરમાં કુલ 19 બિલ્ડીંગનું નિર્માણ કરાશે. જેમાં 9 પ્લાનને મંજૂરી પણ મળી ચૂકી છે. તો એઈમ્સ સુધી પહોંચવાના રસ્તાઓના બનાવવાના કામ પણ શરૂ કરી દેવાયા છે.
ભારતની ખ્યાતનામ તબીબી સંસ્થામાં જનરલ OPDથી લઈને ટ્રોમા સેન્ટર સુધી ઈમરજન્સી કેસને હેન્ડલ કરવામાં આવશે. 200 એકર જગ્યામાં આકાર પામનારી એઈમ્સમાં તબીબી શાખાના વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા કોલેજ પણ કાર્યરત થશે. બંને શાખામાં તબીબો, પેરા મેડિકલ, લેબ, ફાર્મસી, કિચન, લોન્ડ્રી, મેડિકલ ગેસ સહિતના વિભાગોમાં સ્કીલ્ડ અને અનસ્કીલ્ડ સ્ટાફની જરૂરિયાત ઊભી થશે. શૈક્ષણિક વિભાગમાં પ્રોફેસર તેમજ અન્ય સપોર્ટિંગ સ્ટાફની જરૂર પણ મોટાપાયે પડશે. આ સિવાય સિક્યુરિટી, ભોજન અને સફાઈ સહિત અનેક ક્ષેત્રે ખાનગી સંસ્થાઓની મદદ લેવાશે.