રાજકોટ શહેરમાં વધુ એક વખત મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે.વોર્ડ નંબર 1માં હીરાના બંગલા નજીક તૂટેલા ગટરના ઢાંકણાએ એક વ્યક્તિનો ભોગ લીધો છે. ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા અને પ્રેસ એજન્સી સાથે સંકળાયેલા વનરાજસિંહ ઉદયસિંહ જાડેજા 3 સપ્ટેમ્બર 2024ના રોજ વહેલી સવારે પોતાના ઘરે પરત આવી રહ્યા હતા ત્યારે અચાનક હીરાના બંગલા નજીક પહોંચતા બાઈક ગટરના તૂટેલા ઢાંકણા સાથે ટકરાતા સ્લીપ થયું હતું અને તેના કારણે તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જે બાદ તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને 9 દિવસ બાદ ગઈકાલે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.


રાજકોટ શહેરના દરેક રોડ-રસ્તા પર આ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. વરસાદે વિરામ લીધાને પખવાડિયું થવા છતાં આજે પણ ગટરો છલકાઇ રહી છે. રસ્તા પર પાણી વહી રહ્યા છે. જેના કારણે ખુલી ગટર, તૂટેલા ગટરના ઢાંકણા કે રસ્તા પર પડેલા ખાડા અંગે વાહનચાલકોને ખ્યાલ આવતો નથી અને અકસ્માતનો ભોગ બની જાય છે. મૃતકના ભાઇએ કહ્યું હતું કે મનપાની બેદરકારીથી તેમના ભાઇનું મોત થયું છે. હજુ પણ મનપા નહીં જાગે તો વધુ અકસ્માત થશે. કોઈ બેરીકેડ કે સાવચેતીના બોર્ડ નહોતા. મનપા કોઈ કામગીરી કરતું નથી.


બીજી તરફ જૂનાગઢમાં ભાજપના ધારાસભ્યએ જ મનપાની પોલ ખોલી હતી. રોડ-રસ્તા, રખડતા ઢોર, ટ્રાફિકની સમસ્યા મુદ્દે સંજય કોરડિયાએ મોરચો માંડ્યો હતો. ટ્રાફિકને અડચણ રૂપ દબાણો તુરંત દૂર કરવાની પણ તેઓએ માંગ કરી હતી. સંજય કોરડિયાએ મનપા કમિશનરને લખેલા પત્રમાં કહ્યું હતુ કે વિધર્મીઓ મનફાવે ત્યાં દબાણ કરતા લોકોને હાલાકી થઇ રહી છે. દબાણના કારણે અનેક વખત માથાકૂટ થાય છે. ભૂગર્ભ ગટર, ગેસ પાઈપ લાઈનને લઈ ખોદકામ યોગ્ય રીતે કરવા સૂચના આપવામાં આવે. જુદા જુદા વિસ્તારમાં લોક દરબાર યોજી લોકોની સમસ્યા સાંભળવા રજૂઆત કરાઇ હતી.


મોરબીમાં ગટર ઉભરાવવા જેવી સમસ્યાને લઇને તંત્રએ કોઇ કાર્યવાહી ના કરતા સ્થાનિકોએ ચક્કાજામ કર્યો હતો. શહેરમાં ચોમાસામાં અનેક રોડ રસ્તા તૂટી ગયા હોય જેને પગલે રોડ રીપેરીંગ અને નવા રસ્તા બનાવવાની કામગીરી ચાલતી હોય જેથી ટ્રાફિક સમસ્યા વિકરાળ બની છે


Morbi Accident | મોરબીમાં અચાનક ખાડો આવતાં 3 યુવતીઓ એક્ટિવા સાથે નીચે પટકાઈ