રાજકોટ: રાજકોટમાં સમૂહ લગ્નના નામે છેતરપીંડીના કેસમાં વધુ એક આયોજકની ધરપકડ કરવામાં આવી છે. દિલીપ વરસાડા નામના શખ્સને પોલીસે દબોચી લીધો છે. પોતાનું માનપાન વધે અને નામ થાય તે માટે કાર્યક્રમમાં જોડાયા હોવાનું પોલીસ સમક્ષ આપ્યું નિવેદન. મુખ્ય આરોપી ચંદ્રેશ છત્રોલા ઝડપાય પછી વધુ ખુલાસો થશે. અત્યાર સુધી કુલ ચાર આરોપી ઝડપાયા છે.
રાજકોટમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. વર-વધૂ પક્ષના જાનૈયાઓ આયોજન સ્થળે પહોંચ્યા તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. સમૂહ લગ્નના નામે લાખો રૂપિયા ઉઘરાવી આયોજકો અચાનક ફરાર થઈ ગયા હતા. વાજતે ગાજતે જાન જોડી આવેલા જાનૈયાઓ જાન પરત લઈ જવાનો વારો આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાની સાથે પોલીસ સ્થળ પર પહોંચી હતી.
રાજકોટ સર્વ જ્ઞાતિય સમુહ લગ્નના નામે છેતરપિંડી કરનાર 3 આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે. હવે વધુ એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. સમૂહ લગ્ન છેતરપિંડી કેસમાં અત્યાર સુધીમાં ચાર આરોપીઓ પોલીસના શકંજામાં આવ્યા છે. મુખ્ય આરોપી હજુ પણ ફરાર છે. રાજકોટ શહેર SOG ટીમ તપાસ કરી રહી છે.
આયોજકો ફરાર થઈ ગયા હતા
ઋષિવંશી ગ્રુપના નામે આયોજન કરનાર આયોજકો ફરાર થઈ ગયા હતા. આયોજક ચંદ્રેશ છત્રોલા, દિલીપ ગોહેલ, દિપક હિરાણી રફૂચક્કર થઈ ગયા હતા. સવારે 4થી 6ના ગાળામાં 28 જાન લગ્ન સ્થળે પહોંચી ચૂકી હતી.
આયોજકો ફરાર થતા વરરાજા વહુ અને જાનૈયા રજળી પડ્યા છે. લગ્નના વીડિયોગ્રાફીનો ઓર્ડર પણ રદ્દ કરી દેવામાં આવ્યો હતો. એબીપી અસ્મિતા પર વીડિયોગ્રાફી કરનાર સુરેશભાઈએ દાવો કર્યો કે, રૂદ્રાક્ષ વીડિયોનો ઓર્ડર ગઈકાલે જ આયોજકોએ રદ્દ કરી દીધો હતો. ગઈકાલે ભજનનો કાર્યક્રમ પણ રદ્દ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સ્થળ પર કોઈપણ પ્રકારની વ્યવસ્થા ન હોવાનો આરોપ લગાવવાાં આવ્યો હતો.
પોલીસની માનવતાથી લગ્ન વિધિ શરુ કરાઈ હતી
મીડિયાની જાગૃતતા અને પોલીસની માનવતાથી લગ્ન વિધિ શરુ કરવામાં આવી હતી. હાજર વરઘોડીયાઓની લગ્નવિધિ કરાવી આપવા પોલીસે સંકલ્પ કર્યો હતો. દીકરીઓના ચહેરા પર હરખના આંસુ લાવવાનો સંકલ્પ સાકાર થયો હતો. રાજકોટ પોલીસે જમવાની પણ વ્યવસ્થા કરી હતી. બોલબાલા ટ્રસ્ટના સહયોગથી જમણવારની વ્યવસ્થા કરવામાં આવી હતી.