જૂનાગઢઃ ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો વધુ એક કેસ સામે આવ્યો છે. આ સાથે જૂનાગઢમાં કોરોના ચાર કેસો નોંધાયા છે. જીલ્લાના માંગરોળમાં એક કેસ પોઝિટિવ આવ્યો છે.

મળતી વિગતો પ્રમાણે આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લામાંથી 9મી મેના રોજ બસમાં 23 લોકો માંગરોળ આવ્યા હતા. તમામને માંગરોળ મદરેસામાં ફેસિલિટી ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા હતા. 23 વ્યક્તિના મેડિકલ સ્ક્રીનીંગમાં 2 વ્યક્તિઓનું બોડી ટેમ્પ્રેચર વધારે આવ્યું તો તેના સેમ્પલ લેવામાં આવ્યા હતા. તે પૈકી એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

અગાઉ મુંબઈથી આવેલ યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મુંબઈથી ૫મી મેના રોજ જૂનાગઢના મધુરમ વિસ્તારમાં 24 વર્ષના યુવાનને કોરોના પોઝિટિવ આવ્યો છે. સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તેમજ ભેંસાણમાં પ્રથમ બે પોઝિટિવ કેસ આવ્યા હતા. તે ભેંસાણના CHC સેન્ટરના ડોકટર અને પ્યુનનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ડોકટરના પત્ની તેમજ સસરાના રિપોર્ટ પણ નેગેટિવ આવ્યા છે.