Onion Export Ban: સરકાર દ્વારા ડુંગળીની નિકાસબંધી કરવામાં આવતા ખેડૂતો અને વેપારીઓએ હરાજી બંધ રાખી છે. આજે રાજકોટ, ગોંડલ સહિત આખા રાજ્યમાં ડુંગળીની હરાજી બંધ રાખવામાં આવી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રનાં માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મોટા પ્રમાણમાં આવક થઈ ત્યારે જ કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીને નિકાસબંધી કરવામાં આવી છે. જેના કારણે ડુંગળીનાં ભાવમાં ધરખમ ઘટાડો થયો છે.


15 દિવસ પહેલા ડુંગળીના મણના 700 થી 800 રૂપિયા મળતા હતા, તે ડુંગળીનાં હાલ ખેડૂતોને 250 થી 300 મળી રહ્યાં છે. ડિસેમ્બરથી માર્ચ સુધીમાં લાલપતિ ડુંગળી માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચી રહી છે. આ ડુંગળી સંગ્રહ પણ કરી શકાય નહીં. રાજકોટ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મોટા પ્રમાણમાં ડુંગળીની આવક થઈ રહી છે સાથે જ સરકાર દ્વારા નિકાસ બંધી કરવામાં આવી છે. જેના કારણે ડુંગળીના ભાવ તળિયે પહોંચી ગયા છે. સરકાર દ્વારા જો ડુંગળીની નિકાસને છૂટ આપવામાં આવે તો ખરેખર પોષણક્ષમ ભાવ મળે તેવું ખેડૂતોનું કહેવું છે.


ડુંગળીની નિકાસ પર પ્રતિબંધના વિરોધમાં મહારાષ્ટ્રમાં આજે ત્રીજા દિવસે બજારો બંધ રહ્યા છે. રવિવારે પણ આંદોલનકારી લોકોના સમર્થનમાં નાશિકના તમામ ડુંગળી બજારો બંધ છે. સરકારના નિર્ણય સામે નાસિકમાં ડુંગળી ઉત્પાદક ખેડૂતોની બેઠક યોજાઈ હતી. બેઠકમાં સરકાર સામે લડત આપવાના અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે. ખેડૂતો અને વેપારીઓ સરકાર સાથે જોડાવાના મૂડમાં હોવાનું જણાય છે.


ડુંગળી ઉત્પાદક ખેડૂતોની બેઠકમાં બે મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. આંદોલનકારીઓએ નક્કી કર્યું છે કે ડુંગળીને લઈને સરકારની નિકાસ નીતિ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવામાં આવશે. ડુંગળી 3 હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલથી ઓછા ભાવે વેચવામાં આવશે નહીં.


ડુંગળીના ખેડૂતોના વધતા જતા આંદોલનને જોઈને મહારાષ્ટ્ર સરકાર પણ એક્શનમાં આવી ગઈ છે. ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ સાથે મુલાકાત કરી અને ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ પાછો ખેંચવાની માંગ કરી. આ મુદ્દે શિવસેના (શિંદે જૂથ)ના સાંસદોનું એક પ્રતિનિધિમંડળ પણ પીયૂષ ગોયલને મળ્યું છે અને એક મેમોરેન્ડમ સુપરત કર્યું છે.


તમને જણાવી દઈએ કે ડુંગળીની વધતી કિંમતોને રોકવા માટે કેન્દ્ર સરકારે 7 ડિસેમ્બરે ડુંગળીની નિકાસ પર 31 માર્ચ 2024 સુધી પ્રતિબંધ લગાવી દીધો છે. ડુંગળી ઉત્પાદક ખેડૂતોનો આરોપ છે કે સરકારના આ નિર્ણયથી તેમને ભારે આર્થિક નુકસાન થઈ રહ્યું છે.


તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે સ્થાનિક ઉપલબ્ધતા વધારવા અને કિંમતોને નિયંત્રણમાં રાખવાના ઉદ્દેશ્યથી આવતા વર્ષે માર્ચ સુધી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. રાષ્ટ્રીય રાજધાનીમાં સ્થાનિક વિક્રેતાઓ 70-80 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ડુંગળી વેચી રહ્યા છે.