રાજકોટઃ રાજકોટ જિલ્લામાં છેલ્લા એક અઠવાડીયાથી કોરોના કેસની સંખ્યામાં વધારો થતો જાય છે. રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના કેસની સંખ્યા વધતી જાય છે. ત્યારે આજે રાજકોટ કલેક્ટર રેમ્યા મોહને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પાનના ગલ્લા અને ચાની કિટલી એક અઠવાડિયા સુધી બંધ રાખવાની જાહેરાત કરી છે. જોકે, શહેરી વિસ્તારમાં આ નિર્ણય લાગું પડશે નહીં. એટલે કે, રાજકોટ શહેરમાં પાનના ગલ્લા અને ચાની કિટલીઓ બંધ નહીં થાય.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે, રાજકોટમાં લોકડાઉન લગાવવાની વાત ખોટી છે. લોકડાઉન લગાવવામાં આવશે નહીં. તેમણે જણાવ્યું હતું કે, ધોરાજીમાં કેસો વધલા લાગતા સોની બજાર દ્વારા સામે બંધ રાખવાની જાહેરાત કરી છે. ધોરાજીમાં છેલ્લા 4 દિવસમાં 46 કેસ નોંધાયા છે. આથી ગઇકાલે રવિવારે કલેક્ટર રેમ્યા મોહન, જિલ્લા પોલીસ વડા બલરામ મીણા, જિલ્લા આરોગ્ય અધિકારી ધોરાજી દોડી ગયા હતા અને પ્રાંત કચેરીએ બેઠક બોલાવી ચા-પાનની દુકાનો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આથી આજે ધોરાજીમાં ચા-પાનની દુકાનો-રેંકડીઓ બંધ કરવામાં આવી છે. જ્યારે કાલથી 7 જુલાઇથી રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ચા-પાનની દુકાનો-રેંકડીઓ બંધ કરવામાં આવશે. જ્યારે રાજકોટ શહેરમાં ચા-પાનની દુકાનો ખુલી રહેશે. આ જાહેરનામું રાજકોટ શહેરમાં લાગુ પડશે નહીં. તેવું કલેક્ટર રેમ્યા મોહને જણાવ્યું છે.