PM Modi Gujarat Visit: વડાપ્રધાન મોદીએ રાજકોટના આટકોટમાં કે.ડી. પરવાડિયા હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. કાર્યક્રમ સ્થળે પીએમ મોદી પહોંચ્યા ત્યારે બહેનોએ તેમનું કળશ લઈને પારંપરિક સ્વાગત કર્યુ હતું. આ ઉપરાંત મોદીજી તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ... ના નારા લગાવ્યા હતા.






પીએમ મોદીએ સંબોધનમાં શું કહ્યું


કાર્યક્રમને સંબોધતા વડાપ્રધાન મોદીએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા બદલ જનતાનો આભાર માન્યો હતો. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે આ હોસ્પિલથી આરોગ્યની સુવિધામાં વધારો થશે. સરકારના પ્રયાસોમાં સમાજનો સાથ મળે ત્યારે ઉત્સાહમાં વધારો થાય છે. કેન્દ્રમાં એનડીએ સરકારને આઠ વર્ષ પૂર્ણ થયા છે. સમયની સાથે સાથે નાગરિકોનો પ્રેમ અમારા માટે વધતો રહે છે. ગુજરાતે જે સંસ્કાર આપ્યા તે માટે ગુજરાત અને નાગરિકોને વંદન છે. ગુજરાતે આપેલા સંસ્કારથી માતૃભૂમિની સેવામાં કોઇ કચાશ રાખી નથી.


વડાપ્રધાન મોદીએ કહ્યું કે માતૃભૂમિની સેવા કરવી તે પૂજ્ય બાપુ અને સરદાર પટેલની ભૂમિના સંસ્કાર છે. આઠ વર્ષમાં મે એવું કાંઇ કાર્ય કર્યું નથી જેનાથી દેશ અને નાગરિકોનું માથુ ઝૂકી જાય. સ્વચ્છતા અને આરોગ્ય જીવન પદ્ધતિનો ભાગ બને તેવા પ્રયાસ કરાયા છે. ત્રણ કરોડથી વધુ ગરીબોને પાકા મકાન, 10 કરોડથી વધુ લોકોને શૌચાલય અપાયા છે. અઢી કરોડથી વધુ પરિવારોને વીજળી કનેક્શન આપવામાં આવ્યા છે. છ કરોડથી વધુ પરિવારોના ઘર સુધી પાણી પહોંચાડવામાં આવ્યું છે. ગરીબોને પાંચ લાખ સુધીની મફત સારવારની વ્યવસ્થા કરવામાં આવી છે. અમારી સરકાર દેશ અને ગરીબની હંમેશા સેવા કરતી રહી છે.