Rajkot Rain: છેલ્લા બે દિવસથી સમગ્ર રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે રાજકોટમાં પણ ગઇકાલે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો. આ વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટ જિલ્લામાં સૌથી વધુ કપાસ અને મગફળીનું વાવેતર થાય છે. આ ઉપરાંત કઠોળ, તલ સહિતના પાકને પણ આ વરસાદથી ફાયદો થશે. આ વર્ષે જિલ્લામાં સોયાબીનનું પણ મોટા પ્રમાણમાં વાવેતર થયું છે. ખેડૂતોની સાથે માલધારીઓમાં પણ ખુશીનો માહોલ છે. જિલ્લા ના મોટાભાગના ડેમોમાં મોટા પ્રમાણમાં પાણીની આવકો થઈ છે.


ગોંડલ ધોરાજી જેતપુર અને ઉપલેટાના ડેમોમાં નવા નિર્માણની આવકો થઈ છે. તો ગ્રામ્ય વિસ્તારના ચેક ડેમો ઓવરફલો થતા ખેડૂતોને ફાયદો થશે. સારા વરસાદને લઈને ભૂગર્ભ જળ ઊંચા આવ્યા છે.


રાજકોટ સિંચાઈ પુર વર્તુળ એકમના જણાવ્યા મુજબ વરસાદના આંકડા


પડધરી-3 ઇંચ


રાજકોટ-2,


લોધીકા-1,


કોટડા સાંગાણી-1.5,


જસદણ-2.5


ગોંડલ-2,


જામકંડોરણા-6


ઉપલેટા-6.5,


ધોરાજી-6.5


જેતપુર-5.5,


વિછીયા-0.5 


જૂનાગઢમાં બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાય છે.  જૂનાગઢના વોર્ડ નં.6માં આવતા શાંતેશ્વર વિસ્તારમાં પાણી ભરાયા છે. વરસાદી પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે સ્થાનિક લોકોએ રોષ ઠાલવતા કહ્યું કે, એક પણ નગર સેવક ફરક્યાં નથી. 


આ ઉપરાંત જૂનાગઢ  બાયપાસ માર્ગ પર વરસાદી પાણી ભરાયા છે. રાજકોટ સોમનાથ જુના બાયપાસ પર વરસાદી પાણી ભરાયા છે. જેને લઈને વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે. શહેરમા ધોધમાર વરસાદ ખાબકતા ઝાંઝરડા રોડ પર પાણી ફરી વળ્યાં છે. અંડર બ્રિજમાં પાણી ભરાયા છે. 


તો બીજી તરફ રેલવે સ્ટેશન સહીતના વિસ્તારમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. મનપાની પ્રિ મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. શહેરના અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા શહેરીજનો મુશ્કેલીમાં મુકાયા છે. ઝાંઝરડા ચોકડી, સરદાર બાગ,મોતી બાગ સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.


જૂનાગઢના આણંદપુર ગામ પાસે આવેલ ઓઝત વિયર આણંદપુર જળાશયમાં પાણીની આવક થવા પામી હતી. નવા નીરની આવક થતા ડેમ ઓવરફ્લો થયો હતો. આણંદપુર ડેમ ઓવરફ્લો થતા તંત્ર દ્વરા નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના અપાઈ હતી. આણંદપૂર ડેમમાં પાણીની આવક થતા જૂનાગઢની પાણીની સમસ્યાનો મહદ અંશે હલ આવતો હોય છે. જૂનાગઢને પાણી પૂરુ પાડતા ડેમોમાં આણંદપૂર ડેમનો પણ સમાવેશ થાય છે. મહત્વનું છે કે જુનાગઢ પંથકમાં ગઈકાલ બપોરથી ભારે વરસાદ વરસ્યો હતો. જ્યારે આજે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. આ ઉપરાંત આજે બપોરથી જૂનાગઢ અને આસપાસના વિસ્તારમાં  વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. 


Join Us on Telegram: https://t.me/abpasmitaofficial