Rain: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે, અને હજુ પણ હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી કલાકો ભારે રહેશે. આ વખતે સિઝનમાં સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્ર ઝૉનમાં ખાબક્યો છે, જેના કારણે સૌરાષ્ટ્રના મોટાભાગના ડેમોમાં પાણીની આવકમાં જોરદાર વધારો નોંધાયો છે. તાજા અપડેટ પ્રમાણે, ભાદર-2 અને ન્યારી-2 ડેમોમાં વરસાદી પાણીની આવક સતત વધી રહી છે, અને જળસ્તર વધતા આજુબાજુના ગામોને એલર્ટ મૉડમાં રાખવામાં આવ્યા છે.
ગુજરાતમાં સૌરાષ્ટ્રથી લઇને દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ખાબકી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 206 તાલુકામાં ભારે વરસાદ પડ્યો છે, જેમાં સૌથી વધુ સુરત જિલ્લાના ઉમરપાડામાં 11 ઇંચ અને પલસાણામાં 10 ઇંચ વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત થયુ છે. આજે સુરત સહિત કેટલાક વિસ્તારોમાં શાળા-કૉલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. ગઇકાલે સુરત જિલ્લા ઉપરાંત નવસારી, દ્વારકા, જુનાગઢ, ડાંગ, તાપી અને કચ્છ સહિતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. આમાં સૌથી વધુ સૌરાષ્ટ્ર પંથકમાં પડતા સૌરાષ્ટ્રના ડેમો છલકાયા છે.
છેલ્લા બે દિવસથી ખાબકી રહેલા મુશળધાર વરસાદના કારણે સૌરાષ્ટ્રના ડેમોમાં નવા નીરની આવક સતત વધી રહી છે. હાલમાં ધોરાજીના ભાદર-2 ડેમમાં પાણી વધતા ચાર દરવાજા 0.66 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. તંત્ર દ્વારા આજુબાજુના ભોળા, ભલગામડા, છાડવાવદર ગામને એલર્ટ કરાયા છે. ભાદર-2 ડેમમાં પાણીની આવકના કારણે સુપેડી, ડુમિયાણી, ચીખલીયા, સમઢીયાળા, ગણોદ, ભીમોરા, ગાધા, હાડફોડી, ઈસરા, કુંડેચ, લાઠી, મજેઠી, નીલાખા, તલગણા સહિતના ગામોને એલર્ટ કરાયા છે. ભાદર-2 ઉપરાંત સૌરાષ્ટ્રનો ન્યારી-2 ડેમ પણ છલકાયો છે, ન્યારી-2 ડેમમાં આવક વધતા ડેમનો એક દરવાજો 0.076 મીટર સુધી ખોલવામાં આવ્યો છે, અને આ કારણે આજુબાજુના ગોવિંદપર, રામપર, તરઘડી, વણપરી, ખામટા સહિતના ગામોને સાવચેત રહેવા અપીલ કરાઇ છે.