Cyclone Biparjoy: બિપરજોય વાવાજોડાની અસરને લઈ રાજકોટ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટના ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમા વરસાદ વરસ્યો છે. ઉપલેટામાં પડેલા ભારે પવન સાથેના વરસાદ બાદ ગ્રામ્ય વિસ્તારમા વીજપોલ ધરાશાયી થયો છે. ઉપલેટામાં ગઈકાલથી ભારે પવન અને વહેલી સવારે ધોધમાર વરસાદ પડ્યા બાદ શહેરના ખાખી જાળીયા રોડ પરના વીજપોલ ધરાશાયી થયા હતા.
સાતથી આઠ વીજપોલ ધરાશાયી થયા છે. વિજપોલ ધરાશાયી થયા અંગેની માહિતીઓ મળતા પીજીવીસીએલના કર્મચારીઓ દ્વારા મરામત કામગીરી શરૂ કરવામાં આી છે. પીજીવીસીએલ ના કર્મચારીઓ સ્ટેન્ડ બાય મોડમાં હોવાનું પણ ઇજનેરે જણાવ્યું છે.
વાવાઝોડાને લઈ સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
આગામી પાંચ દિવસ સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બુધવારે કચ્છ અને દ્વારકામાં, જ્યારે ગુરુવારે સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની સંભાવના છે. બિપરજોય વાવાઝોડાની અસરના કારણે 16 અને 17 જૂને અમદાવાદમાં વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. અતિથી અતિભારે વરસાદ પડવાની સાથે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે પવન ફૂંકાવાની પણ આગાહી કરી છે.
ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે
બિપોરજોય વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. સમગ્ર રાજ્યમાં તેની અસર જોવા મળી રહી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવવાની સાથે વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન વરસાદને લઇને હવામાન વિભાગે પણ આગાહી છે. પોરબંદર, દ્વારકા, કચ્છ,બનાસકાંઠા,પાટણ, મહેસાણા, મોરબી, સુરેન્દ્રનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદ શહેરમાં પણ વરસાદની આગાહી
આ સિવાય ગુજરાતમાં અનેક જિલ્લામાં વરસાદી વાતાવરણ રહેશે. અમદાવાદ શહેરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગીર સોમનાથમાં ભારે પવન સાથે વરસાદ
પોરબંદરના બરડા પંથકમાં ધોધમાર વરસાદ શરુ થયો છે. બખરલા,બગવદર,મઢવાડા,મજાવાણા,સહિત ગામોમાં વરસાદ વરસ્યો છે. વરસાદની સાથે ભારે પવન જોવા મળી રહ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો છે. સોમવારથી સતત વરસાદી માહોલથી ખેતરો છે. દેવકા નદીમાં નવા નીર આવ્યા છે. જિલ્લાના તળાવો અને ચેકડેમ પણ છલકાયા છે.