રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં માવઠું, કમોસમી વરસાદથી પાકને નુકશાનની ભીતિ
abpasmita.in | 16 Apr 2019 03:23 PM (IST)
છેલ્લા બે-ત્રણ દિવસથી ગુજરાતના અમુક સ્થળો પર વરસાદની આગાહી કરવામાં આવી હતી. વહેલી સવારે અચાનક રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો અને ઠંડા પવનો ફૂંકાવવા લાગ્યા હતા. હવામાન ખાતાએ અગાઉથી જ દરિયાખેડૂને દરિયો ના ખેડવા અપીલ પણ કરી હતી
રાજકોટઃ રાજ્યમાં અચાનક સમગ્ર વાતાવરણમાં પલટો આવતા, રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક સ્થળોએ કમોસમી વરસાદ ખાબક્યો છે. જામનગર, મોરબી, પડઘરી સહિતના વિસ્તારોમાં એકાએક ગાજવીજ સાથે કરા પડ્યા હોવાના સમાચાર છે. કમોસમી વરસાદને લઇને ઉનાળુ પાક તલ, બાજરી સહિતના ધાન્યને નુકશાન થવાની ભીતિ સેવાઇ રહી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે-ત્રણ દિવસથી ગુજરાતના અમુક સ્થળો પર વરસાદની આગાહી કરવામાં આવી હતી. વહેલી સવારે અચાનક રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો અને ઠંડા પવનો ફૂંકાવવા લાગ્યા હતા. હવામાન ખાતાએ અગાઉથી જ દરિયાખેડૂને દરિયો ના ખેડવા અપીલ પણ કરી હતી. વાતાવરણમાં પલટો આવતા સૌરાષ્ટ્રના દરિયામાં 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો. આગાહી પ્રમાણે હજુ પણ આગામી બે દિવસ સુધી ભારે પવન ફૂંકાશે.