લાંબા સમયના વિરામ બાદ આખરે અષાઢ મહિનના પ્રથમ દિવસે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. રાજ્યના અનેક જિલ્લામાં મેઘરાજા આજે મન મૂકીને વરસ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ત્રણ દિવસ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.


કચ્છના નખત્રાણામાં મુશળધાર વરસાદ પડ્યો છે. માત્ર બે કલાકમાં જ દોઢ ઈંચ વરસાદ વરસી જતા ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા હતા. નખત્રાણા તાલુકાના ગામડાઓમાં પણ સારો વરસાદ પડ્યો જેને કારણે ખેડૂતો પણ ખુશ થયા છે. વરસાદના કારણે સૂકાતા પાકને નવું જીવતદાન મળ્યું છે. 


ગીર સોમનાથના વેરાવળ અને આસપાસના વિસ્તારમાં પણ  વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. સતત ત્રીજા દિવસે બપોર બાદ વેરાવળ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. અમરેલી જિલ્લામાં પણ વરસાદી માહોલ છે. અમરેલીના વડિયામાં વરસાદ પડ્યો હતો.


રાજ્યમાં આ વર્ષે ૧૧ જૂનના ચોમાસાનું આગમન થઇ ગયું હતું. પરંતુ એકપણ સિસ્ટમ નહીં સર્જતાં ૨૧ જૂનથી ચોમાસાનું જોર ઘટવા લાગ્યું હતું અને મેઘરાજાએ વિરામ લઇ લીધો છે. રાજ્યમાં શનિવાર સુધી મોસમનો માત્ર ૧૪ ટકા વરસાદ નોંધાયો હતો. જેની સરખામણીએ ગત વર્ષે ૧૧ જુલાઇ સુધીમાં ૨૬ ટકાથી વધુ વરસાદ પડી ચૂક્યો હતો.


વરસાદ ખેંચાતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. પરંતુ હવે આખરે ચોમાસાની સિસ્ટમ સક્રિય થતાં અષાઢ માસના પ્રથમ દિવસે ગુજરાતમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે અનેક તાલુકામાં ૧ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.


રવિવારે ધોધમાર વરસાદ પડ્યો


 


અમદાવાદમાં મોડી રાત્રે ચાર કલાકમાં જ સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો. મેઘરાજાની તોફાની બેટિંગથી પ્રશાસનની પ્રિ- મોન્સુન કામગીરીની પોલ ખૂલી ગઈ હતી. જૂનાગઢના મેંદરડામાં રાત્રીના 10 વાગ્યા સુધીમાં પાંચ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. જ્યારે બીજા ક્રમે અમદાવાદમાં વરસાદ વરસ્યો હતો. અમદાવાદમાં સાડા ત્રણ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં એંકદરે સવારે છથી રાત્રીના 10 વાગ્યા સુધીમાં 118 તાલુકામાં વરસાદ વરસ્યો હતો.


 


અમદાવાદમાં સૌથી વધુ વરસાદ મણીનગર વિસ્તારમાં પાંચ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો જ્યારે જોધપુર અને બોપલ વિસ્તારમાં સૌથી ઓછો 1.25 ઈંચ વરસાદ પડ્યો હતો.


 


અમદાવાદમાં પડેલા ભારે વરસાદને પગલે સીટીએસ, ઢાલગવરવાડ, બાપુનગરના નીચાણવાળા વસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. અમદાવાદમાં ભારે વરસાદ તૂડી પડતા માર્ગો પાણીથી તરબોળ બન્યા હતાં. રજાના દવિસે લોકો બહાર ફરવા નીકળ્યા હોઈ ભારે વરસાદને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.