રાજકોટઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે ગુજરાતમાં સરકારે ફિઝિકલ શિક્ષણ પર પ્રતિબંધ લગાવ્યો છે. બીજી તરફ સરકારના પ્રતિબંધ છતાં જસદણની આલ્ફા હોસ્ટેલમાં કોચિંગ કલાસ ચાલુ હતા. 500 થી વધુ વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં રાખી કોચિંગ કલાસ ચલાવવામાં આવતા હતા.


સંચાલક જયશુખ સખારવા સામે જાહેરનામા ભંગ બદલ ફરિયાદ નોંધવામાં આવી છે. રાજકોટ,અમદાવાદ, મહેસાણા, બનાસકાંઠા સહિતના જિલ્લાના બાળકો હોસ્ટેલમાં હતાં. 24 કલાકમાં વિદ્યાર્થીઓને પોતાના માતાપિતા પાસે મોકલવા મામલતદારે લેખિત બાંહેધરી લીધી.


જવાહર નવોદય અને બલાછડીમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓને શિક્ષણ  અપાતું હતું. જસદણ મામલતદારે પોલીસને સાથે રાખી દરોડો પાડ્યો હતો. તેમજ વિદ્યાર્થીઓનું મેડિકલ ચેકપ કરાયું હતું. 


કોરોના ગાઇડલાઇનનો ભંગ કરી સંચાલકે ધો. 5ના 500થી વધુ વિદ્યાર્થીઓના કોચિંગ ક્લાસ ચાલુ કર્યા હતા. આ અંગે બાતમી મળતાં જસદણ મામલતદારે પોલીસને સાથે રાખી દરોડો પાડ્યો હતો, જેમાં હોસ્ટેલના સંચાલક જયસુખ સંખારવાને રંગેહાથ પકડાઇ ગયા હતા. તેમની વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો જસદણ પોલીસમાં મામલતદારે નોંધાવ્યો હતો.


જસદણના ચિતલિયા રોડ પરની ખાનગી હોસ્ટેલના બિલ્ડિંગમાં જવાહર નવોદય અને બાલાચડીમાં પ્રવેશ મેળવવા માગતા ધો.5ના વિદ્યાર્થીઓને કોચિંગ અપાતું હોવાની જાણ જસદણ પ્રાંત અધિકારી પ્રિયાંગ ગલચરને થઈ હતી. મામલતદાર પી.ડી. વાંદા અને તેમની ટીમને તરત સ્થળ પર તપાસ માટે મોકલ્યા હતા. 


તપાસ કરતાં 500થી વધુ વિદ્યાર્થીઓ ત્યાં હોવાનું સામે આવતાં તેઓ પણ ચોંકી ઊઠ્યા હતા. ગંભીર બેદરકારી બદલ ક્લાસ-સંચાલક જયસુખ સંખારવા સામે જસદણ શહેર પોલીસ સ્ટેશનમાં જાહેરનામા ભંગનો ગુનો નોંધાવ્યો હતો. આલ્ફા હોસ્ટેલ દ્વારા તમામ વાલીઓને જાણ કરી દેવાઇ છે કે પોતાનાં સંતાનોને 24થી 25 મે સુધીમાં સવારે 8થી સાંજના 5 વાગ્યા સુધીમાં લઇ જવા.