રાજકોટઃ રાજકોટ શહેરમાં શાસ્ત્રીમેદાનમાં પરિવાર સાથે સૂતેલી ધ્રોલની યુવતીને મધરાતે શારીરિક અડપલાં કરીને જગાડીને યુવકે શરીર સુખ માણવા દેવાની માગણી કરી હતી.  યુવતીએ ઈન્કાર કરીને પ્રતિકાર કર્યો હતો અને બૂમાબૂમ કરતાં તેના પતિ સહિતના સભ્યો જાગી ગયા હતા. છેડતી કરનારા યુવકે યુવતીના પતિને પાઇપ ફટકારતાં યુવતીના પતિનું મોત નિપજ્યું હતું.  આ કેસમાં પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ કેસમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હુમલાથી યુવકનું મોત નિપજ્યું કે બિમારી કારણભૂત હતી તેનો ખુલાસો થશે પછી પોલીસ આગળની કાર્યવાહી કરશે.


આ ઘટનાની વિગત એવી છે કે, ધ્રોલમાં રહેતા ભરત ધારશીભાઇ વાઘેલા (ઉ.વ.40), પિતા, માતા, પત્ની અને બાળકો સાથે સાતમ આઠમ નિમિત્તે રમકડાં વેચવા રાજકોટ આવ્યા હતા. ફૂટપાથ પર રમકડાં વેચી આ પરિવાર રાત્રે શાસ્ત્રીમેદાનમાં સૂઇ રહેતો હતો. મંગળવારે મધરાતે પરિવારના સભ્યો શાસ્ત્રીમેદાનમાં સૂતા હતા ત્યારે રાત્રે અઢી વાગ્યે એક યુવક આવ્યો હતો. તેણે ઓઢીને સૂઈ રહેલી ભરતની પત્નીનું ઓઢવાનું ખેંચી લીધું હતું અને શારીરિક અડપલાં કરવા લાગ્યો હતો.  અડપલાં થતાં જ યુવતી સફાળી જાગી ગઇ હતી. યુવકે તેની સામે પોતાને શરીર સુખ માણવા દેવાની અણછાજતી માગણી કરી હતી.


યુવતીએ શરીર સુખ માણવા દેવાનો ઈન્કાર કરીને બૂમાબૂમ કરતા બાજુમાં જ સૂતેલો તેનો પતિ ભરત જાગી ગયો હતો. તેણે યુવકનો પ્રતિકાર કર્યો હતો. ઉશ્કેરાયેલા શખ્સે ધમકી આપતા કહ્યું હતું કે, પોતે નામચીન નિઝામનો ભાણેજ ઝાકીર છે અને બધાને મારી નાખશે. તેણે ધમકી આપી પોતાની પાસે રહેલી છરીથી મહિલા અને તેના પતિ ભરત પર હુમલો કર્યો હતો. પછી તેણે ભરતને પાઇપના ઘા ઝીંક્યા હતા. હુમલો કર્યા બાદ ઝાકીર નાસી ગયો હતો. ભરત વાઘેલા બેભાન થઇ જતાં તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ તેનું મોત નિપજ્યું હતું. પોલીસે યુવતીની ફરિયાદ પરથી છેડતી અને નિર્લજ્જ હુમલા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી ભગવતીપરાના જયપ્રકાશનગરમાં રહેતા ઝાકીર હબીબ સંધીને ઉઠાવી લીધો હતો.


પીઆઇ જોષીએ જણાવ્યું હતું કે, ભરત વાઘેલાના શરીર પર ઇજાના નિશાન દેખાતા નહોતા તેથી તેનું મોત પાઇપથી થયેલા હુમલાથી થયું હતું કે કોઇ બિમારી કારણભૂત હતી તે સ્પષ્ટ કરવા મૃતદેહનું ફોરેન્સિક નિષ્ણાત પાસે પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું.  ઇજા થવાથી મૃત્યુ થયાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવશે તો આરોપી સામે હત્યાની કલમનો ઉમેરો કરવામાં આવશે. ભરતનાં મોતથી તેના એક પુત્ર અને ત્રણ પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી હતી.