પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય અને સુરક્ષા યોજના અંતર્ગત રાજકોટ-જામનગર હાઇવે પર ખંઢેરી ગામ ખાતે આશરે 1200 કરોડના ખર્ચે એઇમ્સ હોસ્પિટલનું નિર્માણ કાર્ય થઈ રહ્યું છે. એઇમ્સ હોસ્પિટલની મેડીકલ કોલેજનું શિક્ષણ કાર્ય 21 ડિસેમ્બર 2020 ના રોજ શરૂ થવા જઈ રહ્યું છે. ત્યારે મેડિકલ કોલેજની શરૂઆત પ્રથમ 50 વિદ્યાર્થીઓની બેન્ચથી કરવામાં આવશે. આ માટે 17 જેટલા શિક્ષકોની નિમણુક પણ કરવામાં આવી છે. આવતીકાલે વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોના સ્વાગત માટેનો કાર્યક્રમ પણ યોજવામાં આવશે જે કાર્યક્રમમાં કેન્દ્રીય આરોગ્યમંત્રી હર્ષવર્ધન તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી વર્ચ્યુલ માધ્યમથી જોડાશે.
AIIMS ની પ્રથમ બેચના 50 વિદ્યાર્થીઓને પંડિત દિનદયાળ ઉપાધ્યાય મેડિકલ કોલેજ ખાતે અભ્યાસ કરાવવામાં આવશે. પ્રથમ બેચમાં વિદ્યાર્થીઓને મુખ્ય ત્રણ વિષયો અંગે અભ્યાસ કરાવવામાં આવશે. જે વિષયોમાં એનાટોમી, ફીઝયોલોજી અને બાયો કેમેસ્ટ્રીનો સમાવેશ થાય છે. આ સાથે વિદ્યાર્થીઓ માટે સેન્ટ્રલ લાઇબ્રેરીની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવશે. તો સાથેજ વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ જ્ઞાન મળે તે માટે અદ્યતન લેબ પણ બનાવવામાં આવી છે. ઉપરાંત વિદ્યાર્થીઓને રહેવા માટે સ્પેશિયલ બોયસ એન્ડ ગર્લ્સ હોસ્ટેલ માં જગ્યાની ફાળણી કરવામાં આવી છે.