Rajkot Airport News: રાજકોટમાં શરૂ થયેલું નવુ આંતરાષ્ટ્રીય એરપોર્ટ હીરાસર એરપોર્ટને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. હીરાસર એરપોર્ટ પર પહોંચવુ હવે મુસાફરો માટે આસાન થઇ ગયુ છે. ખરેખરમાં, ગુજરાત એસટીએ મહત્વનો નિર્ણય લેતા અમદાવાદ-રાજકોટ વચ્ચે દોડતી બસોને ત્યાં ઉભી રાખવા માટેનો નિર્ણય લીધો છે. હીરાસર એરપોર્ટ રાજકોટથી 35 કિલોમીટર દુર છે, અને અવરજવર માટે મુસાફરોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો, આ નિર્ણય બાદ હવે ટેક્સી ડ્રાઇવરોનો ઇજારો બંધ થઇ જશે, બેફામ લૂંટ પણ ઓછી થઇ જશે. 


રાજકોટવાસીઓ અને હવાઇ મુસાફરી કરવાનારા મુસાફરો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવે રાજકોટ ઈન્ટરનેશનલ હીરાસર એરપોર્ટે પર પહોંચવું સહેલું બનશે, હાલમાં જ ગુજરાત એસટી વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવેથી રાજકોટ-અમદાવાદ વચ્ચે દોડતી 425 જેટલી બસો હીરાસર એરપોર્ટ પાસે ઊભી રહેશે. રાજકોટથી હિરાસર એરપોર્ટ પર જતા આવતા લોકો પણ મોટી રાહત મળશે. એસટી વિભાગ દ્વારા પહેલા એરપોર્ટ જવા આવવા માટેની બસ પણ શરૂ કરાઈ હતી. ખાસ વાત છે કે, રાજકોટથી હીરાસર એરપોર્ટ 35 કિલોમીટર દુર છે ત્યારે એસટી બસની સુવિધાઓથી મુસાફરોને મોટો ફાયદો થશે. ટેક્સી ડ્રાઇવરો હવે રાજકોટથી હીરાસર જવા માટે લૂંટ નહીં ચલાવી શકે. મધ્યમ વર્ગના લોકોને હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ જવા માટે ફાયદો થશે.


 


રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ - 
વડાપ્રધાન મોદી ગઇ 27 અને 28 જુલાઈ 2023એ ગુજરાતની બે દિવસીય યાત્રા પર હતા, તે દરમિયાન આ ગુજરાતના પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ - હિરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યુ હતુ. 


ઉલ્લેખનીય છે કે, 7 ઓક્ટોબર 2017ના રોજ પ્રધાનમંત્રી મોદીએ જ ચોટીલા પાસે આવેલા હિરાસર ગામમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટના નિર્માણ અર્થે ભૂમિપૂજન કર્યું હતું. 2017માં ભૂમિપૂજન બાદ નવા ગ્રીનફીલ્ડ એરપોર્ટના નિર્માણ માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને ગુજરાત સરકારના નાગરિક ઉડ્ડયન વિભાગ વચ્ચે સમજૂતિ કરાર થયા હતા. રાજકોટ તેના નાના પાયાના તેમજ મોટા ઉદ્યોગોને કારણે ગુજરાત અને ભારત માટે એક મહત્વપૂર્ણ આર્થિક કેન્દ્ર છે. આ શહેર વૈશ્વિક પરિપ્રેક્ષ્ય સાથે જટિલ પુરવઠા શૃંખલાઓમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે, જેમાં ઝડપથી વધારો થવાની અપેક્ષા છે. આંતરરાષ્ટ્રીય બજાર સાથે એર કનેક્ટિવિટી ઔદ્યોગિક વિકાસને વેગ આપશે, જે બદલામાં રોજગારીની નવી તકો પેદા કરશે.


આ ઉપરાંત, નવા એરપોર્ટને કારણે રાજકોટમાં ઘણો વ્યાવસાયિક વિકાસ પણ થશે. આ એરપોર્ટ અમદાવાદ-રાજકોટ હાઇવે પર સ્થિત છે, જેના કારણે આ એરપોર્ટ આ વિસ્તારમાં આવેલા બહુવિધ ઉદ્યોગો માટે લોજિસ્ટિક્સ સંબંધિત સમય અને ખર્ચમાં ઘટાડો કરશે. મોરબીના સિરામિક ઉદ્યોગ અને જામનગરના અન્ય ઉદ્યોગો પણ એર કનેક્ટિવિટી માટે રાજકોટ પર નિર્ભર છે. આ નવું એરપોર્ટ ટ્રાવેલ લોજિસ્ટિક્સ, હોટેલ ઉદ્યોગ, રેસ્ટોરાં, વેરહાઉસ-કાર્ગો હેન્ડલિંગ, ક્લીયરિંગ બિઝનેસ વગેરેને પ્રોત્સાહન આપશે.


રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને પીએમ ગતિશક્તિ પ્રોજેક્ટ હેઠળ સમાવિષ્ટ કરવામાં આવ્યું છે. રાજકોટથી આશરે 30 કિલોમીટર દૂર, નેશનલ હાઇવે નં-27 નજીક હિરાસર ગામ પાસે ₹1405 કરોડના ખર્ચે ગ્રીનફીલ્ડ એરપોર્ટનું નિર્માણ થયું છે.


સમગ્ર એરપોર્ટ સંકુલ 1025.50 હેક્ટર (2534 એકર)માં ફેલાયેલું છે, જેમાં 1500 એકરમાં એરપોર્ટ ઑથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા એરપોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ એરપોર્ટ 3040 મીટર (3.04 કિમી) લાંબો અને 45 મીટર પહોળો રન-વે ધરાવે છે, જેના પર એકસાથે 14 વિમાનો પાર્ક થઈ શકશે. 50,800 ચોરસ મીટરમાં એપ્રન બેય્ઝ બનાવવામાં આવ્યો છે. 23 હજાર ચોરસ મીટરમાં પેસેન્જર ટર્મિનલ બનાવવામાં આવ્યું છે. આ ટર્મિનલ પીક અવર્સમાં દર કલાકે 1280 મુસાફરોનું સંચાલન કરી શકાશે.


આ નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટ પરથી ‘C’- ટાઇપ પ્લેન પણ ઓપરેટ કરી શકાશે, અને ભવિષ્યમાં ‘E’- ટાઇપ પ્લેન માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આનાથી રાજકોટ અને સૌરાષ્ટ્રના લોકો એરબસ એ-380, બોઇંગ 747 અને બોઇંગ 777 જેવા મોટા કદના વિમાનોની સેવાઓ મેળવી શકશે.


એરપોર્ટ પર સોલાર પાવર સિસ્ટમ, ગ્રીન બેલ્ટ તથા રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ પણ લગાવવામાં આવી છે. આ એરપોર્ટ પર પેરેલલ હાફ ટેક્સી-વે, રેપિડ એક્ઝિટ ટેક્સી ટ્રેક, ઇન્ટરિમ ટર્મિનલ બિલ્ડિંગ, કાર્ગો અને એમઆરઓ /હેન્ગર્સની સુવિધા પણ ઉપલબ્ધ થશે.


ગ્રીનફિલ્ડ એરપોર્ટને તાજેતરમાં ઇન્ટરનેશનલ એરોનોટિકલ ઇન્ફોર્મેશન પબ્લિકેશન (A.I.P) ટેગ આપવામાં આવ્યું છે. આ ટેગ એરક્રાફ્ટના સંચાલન માટે ખૂબ મહત્વનો ગણાય છે. આ એરપોર્ટ વિશિષ્ટ સુવિધાઓથી સજ્જ હશે, જેમાં ચાર પેસેન્જર બોર્ડિંગ બ્રિજ, ત્રણ કન્વેયર બેલ્ટ અને 8 ચેક-ઇન કાઉન્ટર્સ (ભવિષ્યમાં બીજા 12 ચેક-ઇન કાઉન્ટર્સ બનાવવામાં આવશે) નો સમાવેશ થાય છે. આ સાથે જ, આ એરપોર્ટ અદ્યતન ફાયર ફાઇટિંગ અને ફાયર એલાર્મ સિસ્ટમથી સજ્જ હશે.


એર ટ્રાફિક કંટ્રોલર (A.T.C), ઇન્ટરિમ ટર્મિનલ બિલ્ડિંગ અને ફાયર સ્ટેશન ઉપરાંત 524 એકરમાં ફેલાયેલા સિટી સાઇડ એરિયામાં લેન્ડસ્કેપિંગ, કાર, ટેક્સી અને બસ પાર્કિંગની સુવિધાઓ બનાવવામાં આવી છે.


એરપોર્ટની ગેલેરી ગુજરાતના સમૃદ્ધ વારસા અને પરંપરાઓની ઝલક પૂરી પાડે છે. આ ગેલેરી રણજીત વિલાસ પેલેસ, દાંડિયા અને રાજ્યના લોકનૃત્યોની કલાથી શણગારવામાં આવી છે.


ગ્રીનફિલ્ડ એરપોર્ટ્સ એટલે એવા એરપોર્ટ્સ જે શૂન્યમાંથી સર્જિત થયા હોય એટલે કે ગ્રાઉન્ડ ઝીરોમાંથી બનાવવામાં આવ્યા હોય. વિકાસ પ્રક્રિયાના ભાગ રૂપે, ગ્રીનફિલ્ડ એરપોર્ટ્સ ઘણીવાર પર્યાવરણીય બાબતોને ધ્યાનમાં લે છે અને આસપાસના વાતાવરણ પર તેમની અસર ઘટાડવાનો પ્રયાસ કરે છે.