રાજકોટ: હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજકોટ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે.  રાજકોટ શહેર અને જિલ્લામાં ભારે પવન જોવા મળી રહ્યો છે.  જિલ્લાના ગોંડલ અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. રાજકોટ જિલ્લાના લોધિકા અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે. 


ગોંડલ તાલુકાના પાટીયારી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં કરા સાથે વરસાદ પડ્યો હતો.  ગોંડલ તાલુકાના અનેક ગામડાઓમાં અડધાથી પોણો ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.  રાજકોટ જિલ્લામાં અચાનક ભારે પવન ફૂકાયો છે.   રાજકોટ શહેર અને જિલ્લામાં મીની વાવાઝોડું જેવી સ્થિતિ જોવા મળી રહી છે.  


અમદાવાદ માટે આગામી ત્રણ કલાક ભારે


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદ શહેર માટે આગામી ત્રણ કલાક ભારે છે.  અમદાવાદમાં ત્રણ કલાકમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  અમદાવાદ,  બનાસકાંઠા, પાટણ,  મહેસાણા,  સાબરકાંઠા,  રાજકોટ,  જામનગર,  મોરબી,  સુરેન્દ્રનગર,  બોટાદ,  અમરેલી,  ભાવનગર અને કચ્છમાં વરસાદ પડવાની શક્યતા છે.  હવામાન વિભાગે જણાવ્યું કે પવનની ગતિ  40 કિલોમીટર પ્રતિ કલાક રહેશે. 


આજે અને આવતીકાલે ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસશે. હવામાન વિભાગે વરસાગની આગાહી કરી છે. હવામાન વિભાગના અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હજુ બે દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની સાથે 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. 


હવામાન વિભાગના મતે આજે અને આવતીકાલે અમદાવાદ, ગાંધીનગર, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, કચ્છ, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, ભરૂચ, દાહોદ, ખેડા, મહીસાગર અને પંચમહાલ જિલ્લામાં કમોસમી વરસાદ  પડશે.  વરસાદી માહોલને લઈ આગામી પાંચ દિવસ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય. 


AMCનો પ્રી મોન્સૂન પ્લાન પાણીમાં ગરકાવ


રવિવારે સાંજે અમદાવાદમાં ચાર કલાકમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસતા મહાનગરપાલિકાની પ્રી- મોનસૂનનો પ્લાન પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. અમદાવાદ શહેરમાં સૌથી વધુ ચાંદખેડા અને રાણીપમાં વરસાદ વરસ્યો હતો. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાને લીધે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયુ હતું. વરસાદની સાથે ભારે પવન પવન ફુંકાતા શહેરમાં 15 વૃક્ષો ધારાશાયી થયા હતા. ભારે પવનના કારણે ઠેર ઠેર જાહેરાતના હોર્ડિંગ્સ પણ ઉડી ગયા હતા. ઘણી જગ્યાઓ પર પાણી ભરાતા વાહનો બંધ થતા વાહન ચાલકોને હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. 


ઉસ્માનપુરા, બોડકદેવ, સાયન્સ સીટી, ગોતા, ચાંદલોડિયા. જોધપુર, બોપલ, મક્તમપુરામાં સાડા ત્રણ ઈંચ અને સરખેજમાં ત્રણ ઈંચ વરસાદ વરસતા અનેક જગ્યાએ પાણી ભરાયા હતા. જ્યારે દાણાપીઠ, દુધેશ્વર અને મણિનગરમાં ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદને લીધે સાબરમતી નદી પરના વાસણા બેરેજના ચાર દરવાજા ખોલી છ હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યુ હતુ. જ્યારે શહેરના વેષ્ણોદેવીથી ઝુંડાલ સર્કલ તરફ જતા અંડર બ્રિજમાં પાણી ભરાઈ જતા તેને બંધ કરવો પડ્યો હતો. અંડર બ્રિજ બંધ કરાતા બે કિલોમીટર સુધીના રસ્તામાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.