રાજકોટ: રાજકોટથી બેંગ્લોરની મુસાફરી કરતા મુસાફરો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. આગામી 24 ફેબ્રુઆરીથી રાજકોટ-બેંગ્લોરની ફલાઈટ સેવા શરૂ થશે. ઘણા સમયથી બેંગ્લોર માટેની ફલાઈટ શરૂ કરવા માટે સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓની દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જેને લઈને આજે સવારે જ એરપોર્ટ ઓથોરિટી અને સ્પાઈસજેટ દ્વારા મિટિંગ પુરી થયા બાદ આગામી 24 ફેબ્રુઆરીથી રાજકોટથી બેંગ્લોર માટેની ડાયરેકટ ફલાઈટ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

આ અંગે એરપોર્ટના સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે અગાઉ પણ બેંગ્લોર અને ઉદેપુર માટેની ફલાઈટ શરૂ કરવા વિચારણા ચાલી રહી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ઈન્ડિગો પણ ટૂંક સમયમાં ફલાઈટ શરૂ કરવા જઈ રહ્યું છે. આજે સ્પાઈસ જેટ દ્વારા આ નિર્ણય લઈને જાહેરાત કરાઈ છે કે, 24 ફેબ્રુઆરીથી નિયમિત રીતે રાજકોટથી બેંગ્લોર અને અમદાવાદથી બેંગ્લોર ફલાઈટ ઉડાન ભરશે.