રાજકોટઃ લોધિકાના નવી મેંગણીની જ્ઞાન જ્યોત સ્કૂલમાં સંચાલક અને ભાજપ નેતાના પતિએ ધોરણ 9ની બે વિદ્યાર્થિનીને ઓફિસમાં બોલાવી અડપલાં કરતો હોવાની ઘટના સામે આવતાં હોબાળો મચી ગયો છે. ગુનો નોંધાતા જ સ્કૂલ સંચાલક ભૂગર્ભમાં ઉતરી જતાં પોલીસે તેની શોધખોળ શરૂ કરી હતી.
રાજકોટ ભાજપની જિલ્લા મહિલા મોરચાના પતિ દિનેશ જોષીની શોધખોળ શરૂ કરવામાં આવી છે. બીજી તરફ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડી કે સખીયા આ મામલામાં મધ્યસ્થી કરવા જતા તેના ઘેરા પ્રત્યાધાત પડ્યા છે. આજે નવી મેંગણી સ્કૂલમાં દેખાવો થવાના છે. જિલ્લા ભાજપ મહિલા મોરચા ના પ્રમુખ સીમાબેન જોષીના પતિ દિનેશ જોષી સામે ગુનો નોંધ્યો છે. ગુનો નોંધાયાને ચોવીસ કલાક જેવો સમય થતાં દિનેશ જોષી ભૂગર્ભમાં ઉતરી ગયા છે.
ધોરણ 9માં અભ્યાસ કરતી બે વિદ્યાર્થિની અને તેના વાલીઓ શનિવારે લોધિકા પોલીસ સ્ટેશને દોડી ગયા હતા. વિદ્યાર્થિનીઓએ નવી મેંગણીની જ્ઞાન જ્યોત સ્કૂલના સંચાલક દિનેશ જોષી સામે ફરિયાદ નોંધાવી હતી. તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું કે, સ્કૂલ સંચાલક દિનેશ જોષી કેટલાક સમયથી તેમની સામે ખરાબ દ્રષ્ટિથી જોતો હતો અને છેલ્લા એક મહિનામાં અલગ અલગ બહાના હેઠળ ઓફિસમાં બોલાવતો હતો. તેમણે ફરિયાદ કરી છે કે, પાછળથી જકડી રાખી અડપલાં કરતો હતો. એક મહિનામાં છ વખત આવા કૃત્ય કર્યાનો પણ આક્ષેપ કર્યો હતો.
મહિલા આગેવાનના પતિએ જ બબ્બે વિદ્યાર્થિની સાથે અડપલાં કર્યાની વાત વાયુવેગે ફેલાઇ જતાં ચકચાર મચી ગઇ હતી. પોલીસે ગુનો નોંધ્યા બાદ રવિવારે બંને વિદ્યાર્થિનીના વિસ્તૃત નિવેદનો નોંધ્યા હતા તેમજ ગુનો નોંધાતા જ નાસી છૂટેલા દિનેશ જોષીની શોધખોળ તેજ કરાઈ હતી.
આરોપી સ્કૂલ સંચાલક મહિલા ભાજપ આગેવાનના પતિ હોવાથી તેને બચાવવા માટે જિલ્લા ભાજપના કેટલાક આગેવાનોએ પોલીસ પર પ્રેશર પણ કર્યું હોવાનું બહાર આવતાં તેની સામે પણ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જ્ઞાન જ્યોત સ્કૂલમાં અગાઉ પણ વિદ્યાર્થિનીઓ સાથે શાળા સંચાલકે અડપલાં કર્યા હોવાની વિગતો પણ બહાર આવી છે. લોકોના રોષને જોઇને પોલીસે ફરિયાદ નોંધી સ્કૂલ સંચાલક સામે કાર્યવાહી શરૂ કરી છે.